એક સમય હતો જ્યારે મોબાઇલ માત્ર અંતર ઘટાડવા અને વાતચીત કરવાનું સાધન ગણાતો હતો, પરંતુ આજે એ જ સ્માર્ટફોન હસતા-રમતા પરિવારોને તોડવાનું હથિયાર બની રહ્યો છે. ગુજરાતની ફેમિલી કોર્ટોમાં છેલ્લા કેટલાક સમયથી આવતા છૂટાછેડાના કેસોમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. સોશિયલ મીડિયા અને મોબાઇલના અતિશય વળગણને કારણે યુવા દંપતિઓ વચ્ચે અવિશ્વાસ જોવા મળી રહ્યો છે જેના કારણે ફેમિલી કોર્ટમાં કેસની સંખ્યા ચિંતાજનક વધી રહી છે.
ફેમિલી કોર્ટમાં આવતાં અનેક કેસોમાં સમય ન આપવો, સતત મોબાઇલમાં વ્યસ્ત રહેવું, મોડીરાત સુધી ચેટિંગ કરવું અને સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકો સાથે નજીક આવવા જેવા મુદ્દાઓ મુખ્ય કારણ તરીકે સામે આવી રહ્યા છે. ફેમિલી કોર્ટ સાથે જાડાયેલા વકીલો અને કાઉન્સેલરના જણાવ્યા મુજબ છેલ્લા એક વર્ષમાં આવતાં છૂટાછેડાના કેસોમાંથી અંદાજે ૨૫થી ૩૦ ટકા કેસોમાં મોબાઇલ સીધો અથવા આડકતરી રીતે જવાબદાર હોવાનું સામે આવ્યું છે.
ફેમિલી કોર્ટના વકીલ આઈ.એમ. ખોખરે જણાવ્યું કે, “અમદાવાદ સ્થિત ફેમિલી કોર્ટની વાત કરવામાં આવે તો અહીં રોજના સરેરાશ ૨૦ જેટલા છૂટાછેડાના કેસ નોંધાઇ રહ્યા છે. વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન ૨૫૦૦થી ૩૦૦૦ જેટલા કેસ ફેમિલી કોર્ટ સુધી પહોંચ્યા છે. સૌથી વધુ કેસ મોબાઇલ અને સોશિયલ મીડિયાના કારણે ઉભી થતી ગેરસમજ, પાર્ટનર પર શંકા અને ચારિત્ર્ય અંગેના વિવાદના સામે આવી રહ્યા છે. ઘણા કેસોમાં વિવાદની શરૂઆત સામાન્ય રીતે મોબાઇલ ચેક કરવાની બાબતથી થાય છે. વોટ્સએપ, ઇંસ્ટાગ્રામ, ફેસબુક જેવી સોશિયલ મીડિયા એપ્લીકેશન પર થતા ચેટ, ઓનલાઇન મિત્રતાઓ અને મોડી રાત સુધી ચાલતી વાતચીતને કારણે દંપતિઓ વચ્ચે અવિશ્વાસ વધતો જાય છે.”
ફેમિલી કોર્ટના વકીલે વધુમાં જણાવ્યું કે, “અનેક લોકો કોર્ટમાં રજૂઆત કરી રહ્યા છે કે તેમનો પાર્ટનર પરિવાર સાથે સમય વિતાવવાને બદલે કલાકો સુધી મોબાઇલમાં વ્યસ્ત રહે છે, જેના કારણે સંબંધોમાં ભાવનાત્મક અંતર વધી રહ્યું છે. ૨૫થી ૪૦ વર્ષની વયના દંપતિઓમાં આ પ્રકારના વિવાદો વધુ જોવા મળી રહ્યા છે. કેટલાક કેસમાં ઓનલાઇન ગેમિંગ પણ મોટું કારણ બની રહ્યું છે. ઘણા લોકો મોબાઇલ ગેમ્સમાં એટલા વ્યસ્ત થઇ જાય છે કે પરિવાર, બાળકો અને દૈનિક જવાબદારીઓ પ્રત્યે બેદરકાર બની જાય છે, જેના કારણે ઘરેલું ઝઘડા વધે છે અને અંતે મામલો કોર્ટ સુધી પહોંચે છે.”
મોબાઇલને કારણે યુવા દંપતિઓ વચ્ચે વધતા જતા અવિશ્વાસ પર સાયકોલોજિસ્ટ રશમી લાલવાણીએ ઈ્ફ ભારત સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, “મોબાઇલ એડિક્શન હવે ગંભીર માનસિક અને સામાજિક સમસ્યા બની રહી છે. સતત સ્ક્રીન સામે સમય પસાર થવાને કારણે દંપતિઓ વચ્ચે સીધી વાતચીત ઘટી રહી છે. સંવાદનો અભાવ, ગેરસમજ અને ભાવનાત્મક અંતર વધારવાનું કામ કરે છે. ઘણા લોકો સોશિયલ મીડિયા પર મળતી વર્ચ્યુઅલ દુનિયામાં એટલા ખોવાઇ જાય છે કે વાસ્તવિક સંબંધો નબળા પડવા લાગે છે.
કાઉન્સીલરોના જણાવ્યા અનુસાર “ઘણા દંપતિઓ કોર્ટમાં પહોંચતા પહેલા મહિનાઓ સુધી એકબીજા સાથે યોગ્ય રીતે વાતચીત પણ કરતા નથી. મોબાઇલમાં વ્યસ્ત રહેવાની આદતને કારણે પરિવાર સાથે સમય પસાર કરવાની સંસ્કૃતિ ઘટી રહી છે. નાના મુદ્દાઓમાંથી શરૂ થતા વિવાદો પછી ગંભીર સ્વરૂપ ધારણ કરે છે અને માનસિક તણાવ સુધી પહોંચે છે. ફેમિલી કોર્ટમાં આવતાં મોટાભાગના દંપતિઓને પ્રથમ કાઉન્સેલિંગ માટે મોકલવામાં આવે છે.










































