સ્થાનિક સ્વરાજ્યની તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ પૂર્ણ થતાં જ ભરૂચ સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના રાજકારણમાં મોટો ગરમાવો આવી ગયો છે. ચૂંટણીના પરિણામો બાદ રાજકીય સમીકરણો ઝડપથી બદલાઈ રહ્યા છે, જેમાં કોંગ્રેસ પક્ષને આદિવાસી વિસ્તારમાં એક બહુ મોટો અને જોરદાર રાજકીય ઝટકો લાગ્યો છે. પૂર્વ ધારાસભ્ય અને આદિવાસી નેતા મહેશ વસાવાએ કોંગ્રેસ પક્ષને હંમેશ માટે ‘અલવિદા’ કહી દીધું છે.
મહેશ વસાવા ચૂંટણીના ઠીક પહેલાં જ ભારે ઉત્સાહ સાથે કોંગ્રેસમાં જોડાયા હતા. એવું માનવામાં આવતું હતું કે તેમના આવવાથી આદિવાસી બેલ્ટમાં કોંગ્રેસ મજબૂત બનશે. પરંતુ, આ જોડાણ બહુ લાંબું ચાલ્યું નહીં અને સ્થાનિક ચૂંટણીઓ પૂર્ણ થતાં જ તેમણે પક્ષમાંથી રાજીનામું ધરી દઈને સૌને ચોંકાવી દીધા છે.
મહેશ વસાવાએ માત્ર રાજીનામું જ નથી આપ્યું, પરંતુ કોંગ્રેસના મોવડીમંડળ અને સ્થાનિક નેતૃત્વ સામે ગંભીર સવાલો પણ ઉઠાવ્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કેતાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાં મોટા પાયે ‘સોદાબાજી’ કરવામાં આવી છે. પાયાના અને સાચા કાર્યકરોની અવગણના કરીને ટિકિટોની વહેંચણીમાં ગેરરીતિઓ થઈ છે. આ ગંભીર આક્ષેપોને કારણે કોંગ્રેસની અંદરખાને ચાલતી જૂથબંધી અને ખેંચતાણ ફરી એકવાર જાહેરમાં આવી ગઈ છે.
મહેશ વસાવાના આ આકસ્મિક રાજીનામા બાદ ભરૂચ અને નર્મદા જિલ્લાના રાજકીય વર્તુળોમાં ગણગણાટ શરૂ થઈ ગયો છે. આદિવાસી મતો પર પ્રભુત્વ ધરાવતા નેતા પક્ષ છોડી જતાં કોંગ્રેસ માટે આગામી સમયમાં મુશ્કેલીઓ વધી શકે છે.
હવે આખા રાજકીય આલમની નજર એ વાત પર ટકેલી છે કે શું મહેશ વસાવા ફરી ઘરવાપસી કરશે કે ભાજપનો કેસરિયો ધારણ કરશે? અથવા તેઓ પોતાના જૂના સંગઠનને ફરી બેઠું કરીને નવી રાજકીય દિશા પકડશે? હાલ પૂરતું તો મહેશ વસાવાના આ પગલાએ ભરૂચના રાજકારણમાં એક નવો જ ગરમાવો લાવી દીધો છે અને આગામી દિવસોમાં અહીં નવા રાજકીય સમીકરણો રચાય તો નવાઈ નહીં.










































