સાવરકુંડલા તાલુકાના મેરીયાણા ગામે ઝવેરી બજારના માણેક ચોક ખાતે તા. ૨ ઓક્ટોબર, ૨૦૨૫ (ગુરૂવાર)ના રોજ વિજયાદશમી (દશેરા)ના પવિત્ર પર્વ નિમિત્તે ભવ્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષની પરંપરા મુજબ, અસત્ય પર સત્યના વિજયના પ્રતીક એવા દશેરાના આ પાવન દિવસે ગામમાં શાંતિ અને સુખાકારી જળવાઈ રહે તેવી ધાર્મિક ભાવના સાથે યજ્ઞ યોજવામાં આવ્યો હતો. આ ધાર્મિક કાર્યક્રમમાં ભરતભાઈ છગનભાઈ ખાત્રાણી, મનહરભાઈ ભીખુભાઈ બોદર અને દિનેશભાઈ છગનભાઈ ભાલાળા મુખ્ય યજમાન પદે રહ્યા હતા. ગામના સહુ લોકોએ હળી મળીને આ ભક્તિમય વાતાવરણ વચ્ચે દશેરાની ઉજવણી કરી હતી. આ સમયે ગામના સરપંચ હિતેશભાઈ ખાત્રાણી, ઉપસરપંચ દિલુભાઈ ધાધલ સહિત ગામના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.









































