બાબરા શહેરના મધ્યમાંથી પસાર થતી કાળુભાર નદી વર્ષો દરમિયાન જમા થયેલા કાંપ અને ગંદકીને કારણે અનેક સ્થળોએ છીછરી બની ગઈ છે. નદીનું વૈજ્ઞાનિક રીતે ઊંડીકરણ, સફાઈ અને સુવ્યવસ્થિત વિકાસ કરવામાં આવે તો ભવિષ્યમાં બાબરાને આકર્ષક રિવરફ્રન્ટની ભેટ મળી શકે તેવી માંગ સ્થાનિક નાગરિકોમાં ઉઠી રહી છે. પર્યાવરણપ્રેમી ડા. સિદ્ધાર્થ ભટ્ટ તેમજ ભગતસિંહ યુવા સમિતિના સભ્યોનું માનવું છે કે આવા આયોજનથી વરસાદી પાણીના સંગ્રહમાં વધારો થશે, ભૂગર્ભ જળસ્તર સુધરશે અને પાણીની સમસ્યામાં રાહત મળશે. સાથે શહેરના સૌંદર્યમાં વધારો થવા ઉપરાંત નાગરિકોને ઉત્તમ જાહેર સ્થળ પણ મળશે. સ્થાનિક આગેવાનો, નગરપાલિકા, જનપ્રતિનિધિઓ અને જાગૃત નાગરિકો સંયુક્ત પ્રયાસ કરી રાજ્ય સરકાર સમક્ષ યોગ્ય આયોજન રજૂ કરે તો બાબરામાં રિવરફ્રન્ટનું સ્વપ્ન સાકાર બની શકે છે.