મહુવા તાલુકાના મોટા જાદરા ગામની દીકરી આયુષી બલદાણીયાનું જસદણ સ્થિત આલ્ફા સૈનિક ઇન્સ્ટિટ્યૂટ સંકુલમાં સંચાલનની કથિત ઘોર બેદરકારીના કારણે થયેલા મૃત્યુના મામલે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે. આ ઘટનામાં પરિવારને ન્યાય મળે તેવી માંગ સાથે આજે રાજુલા ખાતે સમસ્ત આહીર સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમસ્ત સમાજના આગેવાનો, સમસ્ત આહીર સમાજના હોદ્દેદારો તેમજ વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે આ ઘટના માત્ર એક પરિવાર કે સમાજ પૂરતી મર્યાદિત નથી, પરંતુ કોઈપણ વિદ્યાર્થી સાથે આવી ઘટના બની શકે છે. તેથી શાળા, કોલેજ અને હોસ્ટેલોના સંચાલનમાં થતી બેદરકારી સામે કડક કાર્યવાહી થવી જરૂરી છે. આવેદનપત્રમાં સરકાર અને સંબંધિત તંત્રને સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.