નામદાર બગસરા ફેમિલી કોર્ટ દ્વારા જારી કરવામાં આવેલા સજાના વોરંટના કામે નાસતા ફરતા આરોપીને અમરેલી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલ.સી.બી.)ની ટીમે બાતમી અને ટેકનિકલ સોર્સના આધારે ઝડપી પાડીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી વિગતો મુજબ અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ અમરેલી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર સી.પી. વાઘેલાની રાહબરીમાં ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. બગસરા ફેમિલી કોર્ટમાં ક્રિમિનલ પરચુરણ અરજીના કામે ભરણપોષણની રકમ ચૂકવવામાં કસુરવાર ઠરતા સજાનું વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું. આ સજા વોરંટના કામે ફરાર રહેલા આરોપી અલ્પેશભાઇ જયંતીભાઇ પટેલ (ઉંમર વર્ષ ૩૮, રહે. રાજુલા, તા. રાજુલા, જિ. અમરેલી)ને પકડી પાડી, સજા ભોગવવા માટે અમરેલી જિલ્લા જેલ ખાતે મોકલી આપવાની તજવીજ કરવામાં આવી છે.







































