બગસરામાં નગરપાલિકા દ્વારા થતાં વિવિધ જાહેર કામમાં ભ્રષ્ટાચારના વારંવાર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. હાલમાં માધવ સ્મશાનનું રિનોવેશન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ સ્મશાનમાં પ્રાર્થના હોલ, સ્મશાન છાપરી અને બ્લોકનું કામ અમરેલીના શ્રીજી ઇનફાસ્ટ્રક્ચર દ્વારા રૂ. ૩૩ લાખના ખર્ચે કરવામાં આવેલ છે. આ કામના પાયામાં જુના તૂટેલા રોડના તોડા તેમજ કાંકરી અને કોરી સિમેન્ટ નાખવામાં આવ્યા હોવાનો આક્ષેપ થઇ રહ્યો છે. આ કામમાં માલ બનાવીને નાખવાનો હોય છે પરંતુ કાચું મટીરિયલ નાખવામાં આવે છે જેના લીધે આ કામ નબળી ગુણવત્તાવાળું થઈ રહ્યું છે તેવું જાણવા મળતા વિરોધ પક્ષના નેતા જમાલ સરવૈયાએ આ કામની પોલ ખોલી હતી. પાલિકાના અધિકારીઓએ આ કામનું ચેકિંગ કર્યું ત્યારે પણ આ ખરેખર નબળી ગુણવત્તાવાળું હોવાના લીધે પાયામાંથી કાચું મટીરિયલ બહાર કાઢવામાં પણ આવ્યું હતું અને કામ બંધ કરવામાં આવ્યું હતું. આવા કોન્ટ્રાક્ટરને પાલિકા બ્લેક લિસ્ટમાં મૂકે તેવી લોકોમાં માંગ ઉઠી છે.