શહેરમાં માદક પદાર્થોની હેરાફેરી સામે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે રાંદેર વિસ્તારમાંથી ગાંજાના મોટા જથ્થા સાથે એક યુવતી ઝડપાતા ડ્રગ્સની હેરાફેરીની નવી રીત સામે આવી છે. પોલીસથી બચવા માટે ડ્રગ્સ સાથે મુસાફરી કરતી વખતે મહિલાઓ પર ઓછી શંકા જાય છે તેનો લાભ ઉઠાવી ડ્રગ્સ માફિયાઓ દ્વારા એક યુવતીનો કેરિયર તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હોવાની વિગતો પોલીસ તપાસમાં સામે આવી છે.
રાંદેર પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે બેજનવાલા કોમ્પ્લેક્સ પાછળ આવેલા કૃષ્ણકુંજ કોમ્પ્લેક્સ નજીક જાહેર રોડ પર વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન પોલીસને એક યુવતીની હિલચાલ શંકાસ્પદ જણાતા તેને અટકાવી તપાસ કરવામાં આવી હતી. શરૂઆતમાં સામાન્ય પૂછપરછ કર્યા બાદ પોલીસે તેની પાસે રહેલા સામાનની તપાસ કરતા મોટી માત્રામાં ગાંજા મળી આવ્યો હતો.પોલીસે યુવતીને કબજામાં લઈ વધુ પૂછપરછ અને કાયદેસરની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન યુવતીની ઓળખ ઓડિશાના ગંજમ જિલ્લાની ૨૦ વર્ષીય મામલી શંકર બિસોઇ તરીકે થઈ હતી. તેની પાસેથી લીલાશ પડતો ભૂખરો વનસ્પતિજન્ય માદક પદાર્થ મળી આવ્યો હતો, જેને તપાસ બાદ ગાંજા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે કુલ ૧૦ કિલો ૧૫૮ ગ્રામ ગાંજા જપ્ત કર્યો હતો. જપ્ત કરાયેલા ગાંજાની અંદાજિત બજાર કિંમત રૂ. ૫,૨૫,૯૦૦ હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત યુવતી પાસેથી એક મોબાઇલ ફોન અને રોકડ રકમ પણ મળી આવી હતી. ગાંજા, મોબાઇલ ફોન અને રોકડ સહિત પોલીસે કુલ રૂ. ૫,૩૧,૩૫૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.
પ્રાથમિક તપાસમાં પોલીસને એવી માહિતી મળી છે કે ઓડિશામાં રહેનાર ધુબાભાઇ સ્વાઇન નામના શખ્સ દ્વારા યુવતીનો કેરિયર તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો. પોલીસ ચેકિંગ દરમિયાન શંકા ઓછી જાય અને માદક પદાર્થનો જથ્થો સરળતાથી એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડી શકાય તે હેતુથી યુવતીને સુરત મોકલવામાં આવી હોવાની દિશામાં તપાસ ચાલી રહી છે.
ડ્રગ્સની હેરાફેરીમાં સામાન્ય રીતે પોલીસની નજરથી બચવા માટે વિવિધ રીતો અપનાવવામાં આવતી હોય છે. આ કેસમાં મહિલાને કેરિયર તરીકે ઉપયોગમાં લેવાની બાબત સામે આવતા પોલીસ પણ હવે ડ્રગ્સ સપ્લાય ચેઇનના અન્ય સભ્યો સુધી પહોંચવા માટે તપાસ કરી રહી છે. ખાસ કરીને ઓડિશાથી ગાંજાનો જથ્થો સુરત સુધી કેવી રીતે પહોંચાડવામાં આવ્યો, યુવતી કોના સંપર્કમાં હતી અને સુરતમાં આ જથ્થો કોને સોંપવાનો હતો તે મુદ્દે પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
પોલીસે મહિલા આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. હવે તપાસનો મુખ્ય ફોકસ આ સમગ્ર હેરાફેરીના નેટવર્ક પર છે. યુવતી માત્ર કેરિયર તરીકે કામ કરતી હતી કે સમગ્ર નેટવર્કમાં તેની અન્ય કોઈ ભૂમિકા હતી તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે. આ ઉપરાંત જપ્ત કરાયેલા મોબાઇલ ફોનમાંથી કોની સાથે સંપર્ક કરવામાં આવ્યો હતો, સુરતમાં કોને જથ્થો આપવાનો હતો અને ઓડિશાથી સુરત સુધીની મુસાફરી દરમિયાન અન્ય કોઈ વ્યક્તિ તેની સાથે સંકળાયેલી હતી કે નહીં તે અંગેની વિગતો પણ પોલીસ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. સુરતમાં અગાઉ પણ બહારના રાજ્યોમાંથી ગાંજા અને અન્ય માદક પદાર્થો લાવી સપ્લાય કરવાના કિસ્સાઓ સામે આવી ચુક્યા છે. ત્યારે રાંદેરમાંથી ૧૦ કિલોથી વધુ ગાંજા ઝડપાવાની આ કાર્યવાહી બાદ પોલીસ હવે આ જથ્થા પાછળ રહેલા મુખ્ય સૂત્રધારો અને સ્થાનિક સપ્લાયરો સુધી પહોંચવા માટે તપાસ આગળ ધપાવી રહી છે.








































