ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, અમરેલી દ્વારા તા. ૧૪થી ૧૯ સપ્ટેમ્બર દરમિયાન જિલ્લામાં આવેલી સરકારી, અર્ધસરકારી અને ખાનગી હોસ્ટેલોના રસોડાઓમાં ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન કુલ ૧૫ જેટલી પેઢીઓની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડડ્ર્સ એક્ટ-૨૦૦૬ના શેડ્યૂલ-૪નું પાલન કરવા તેમજ પીરસવામાં આવતા ખોરાકની શુધ્ધતા અને સ્વચ્છતા જાળવવા સૂચના આપવામાં આવી હતી. ફૂડ બિઝનેસ ઓપરેટરોને તેમના પરિસરમાં સાફ-સફાઈ અને હાઇજેનિક કન્ડિશન જાળવવા જણાવાયું હતું. વધુમાં જુલાઈમાં અમરેલીના બટારવાડીમાંથી સંજયભાઈ રમેશભાઈ વિરાણીની પેઢીમાંથી લેવાયેલ ‘ગાયનું ઘી’ તથા ધારી-અમરેલી રોડ પરની અમીરાસ રેસ્ટોરન્ટમાંથી લેવાયેલ પનીરના નમૂના સબસ્ટાન્ડર્ડ જાહેર થયા હતા. બંને પેઢી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હોવાનું તંત્રની યાદીમાં જણાવાયું છે.





































