વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાની મુલાકાત લઈ સામાજિક તથા જમીન સંબંધિત પ્રશ્નો અંગે આક્રમક વલણ અપનાવ્યું છે. ધોળકા સ્થિતિ રોહિત સમાજની વાડી ખાતે અનુસૂચિત જાતિ સમાજ માટે યોજાયેલી ચિંતન શિબિરમાં તેમણે હાજરી આપી હતી. આ શિબિરમાં સમાજ પર થતા અત્યાચાર સામે સતત સંઘર્ષ કરવા, ન્યાયી હક માટે આખરી લડત આપવા અને સામાજિક કુરિવાજ ‘ગોળ પ્રથા’ બંધ કરવા જેવા મહ¥વના વિષયો પર ગહન મંથન કરવામાં આવ્યું હતું.
મુલાકાત દરમિયાન જિગ્નેશ મેવાણીએ સરોડા ગામની જમીનોના પ્રશ્ને પ્રાંત અધિકારીને રજૂઆત કરી સ્પષ્ટ ચેતવણી આપી હતી. અન્ય લોકોના કબજા હેઠળની જમીનો ૧૫ દિવસમાં મૂળ ખાતેદાર ખેડૂતોને સોંપવા, ખેડૂતોને શાંતિપૂર્ણ રીતે ખેતી કરવા દેવા અને ગેરકાયદે કબજા કરનારાઓ સામે કડક કાયદાકીય ફરિયાદ નોંધાવવા તેમણે માગ કરી હતી. જા નિર્ધારિત સમયમાં આ અંગે યોગ્ય કાર્યવાહી નહીં થાય, તો પ્રાંત કચેરી ખાતે વિશાળ આંદોલન કરવાની ચીમકી તેમણે આપી હતી.
આ ઉપરાંત, ભેટાવાડા ગામે છેલ્લા ૨૧ દિવસથી આંદોલન ચલાવી રહેલા પાંચ ગામના ખેડૂતોની પણ તેમણે મુલાકાત લીધી હતી. ખેડૂતોના વિરોધને સંપૂર્ણ ટેકો જાહેર કરતા તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, ‘જા તંત્ર અને સંબંધિત કંપનીઓ ખેડૂતોના જીવન તથા જમીન સાથે રમત રમવાનું બંધ નહીં કરે, તો આગામી ૨૪ સપ્ટેમ્બરે આખો ધોળકા તાલુકો રસ્તા પર ઉતરીને સજ્જડ આંદોલન કરશે.’ આ પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનો હાજર રહ્યા હતા.