દીવના ઘોઘલા ગામના એન્ટ્રી રોડ પર ગણેશ વિસર્જન દરમિયાન લોકોના ટોળામાં અચાનક સ્વિફ્ટ કાર ઘૂસી જતા ભયાનક અકસ્માત સર્જાયો હતો. કારની અડફેટે ૧૦થી વધુ લોકો આવ્યા હતા. અકસ્માતમાં અનેક લોકોને ઇજાઓ પહોંચતા અફરાતફરી મચી હતી. ઇજાગ્રસ્તોમાં હિનસીબેન ચૌહાણ (૪), ચૈહસી ઉમેશભાઈ (૫), જયશ્રીબેન કાપડિયા (૫૦) અને ભૂમિકાબેન સોલંકી (૩૮) સહિતના લોકોને સારવાર માટે ખસેડાયા હતા. ચાર ઇજાગ્રસ્તોની ઉનાની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, જ્યારે પાંચથી વધુ લોકોને દીવની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવ બાદ લોકોએ કારચાલકને ઝડપી લીધો હતો અને મારામારી પણ કરી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે સ્થળ પર પહોંચી કારચાલકને કબજામાં લીધો હતો. એસપીના જણાવ્યા મુજબ, કારચાલક એભાભાઈ ચાવડા, મૂળ ઉપલેટાના રાજપરા ગામનો હોવાનું જાણવા મળ્યું છે. તે નશાની હાલતમાં કાર ચલાવતો હતો અને તેની સામે ગુનો નોંધાયો છે.








































