અમરેલીના શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ-વિદ્યાસભા ખાતે વિદ્યાર્થીઓમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ લાવવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરવાની સમજ વિકસે તે હેતુથી માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો.કાર્યક્રમમાં ટ્રાફિક ઇન્સ્પેક્ટર મિત શાહ અને આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર પટેલભાઈ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને માર્ગ સલામતી અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું. અધિકારીઓએ રસ્તા પર વાહન ચલાવતી વખતે રાખવાની તકેદારી, ટ્રાફિક નિયમોનું પાલન, હેલ્મેટ અને સીટ બેલ્ટનું મહત્વ, ટ્રાફિક સિગ્નલનું પાલન તથા યોગ્ય ઝડપે વાહન ચલાવવા અંગે સમજ આપી હતી. ઉપરાંત ડ્રાઇવિંગ દરમિયાન મોબાઇલ ફોનનો ઉપયોગ ન કરવા અને અન્ય લોકોની સુરક્ષાની જવાબદારી નિભાવવા વિદ્યાર્થીઓને જાગૃત કરાયા હતા. રાહદારીઓ, સાઇકલ સવાર અને અન્ય વાહનચાલકો પ્રત્યે જવાબદારીપૂર્વક વર્તવાની સમજ આપવામાં આવી હતી. અધિકારીઓએ વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબ આપી માર્ગ સલામતીને જીવનનો અભિન્ન ભાગ બનાવવા પ્રેરણા આપી હતી.






































