વડિયાના મેઘા પીપળીયા મુકામે ગ્રામીણ સુખાકારી અને પ્રગતિને વેગ આપતા વિવિધ જનહિતના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કાયદો અને ઊર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. ગામ અને આસપાસના વિસ્તારના વિકાસને ધ્યાનમાં રાખીને હાથ ધરવામાં આવેલા આ કામોથી સ્થાનિક લોકોને પાયાની સુવિધાઓ વધુ સુદ્રઢ બનશે.ખાતમુહૂર્ત અંતર્ગત મેઘા પીપળીયા-ખજુરી રોડ પર ચોમાસા દરમિયાન પૂરથી રક્ષણ મળી રહે તે હેતુથી અંદાજિત રૂ. ૨.૧૦ કરોડના ખર્ચે પૂર સંરક્ષણ દિવાલ એટલે કે ફ્‌લડ પ્રોટેક્શન વોલ બનાવવામાં આવશે. આ દિવાલના નિર્માણથી ભારે વરસાદ દરમિયાન પાણીના પ્રવાહથી માર્ગ અને આસપાસના વિસ્તારને થતું નુકસાન અટકાવવામાં મદદ મળશે અને વાહનવ્યવહાર પણ વધુ સુરક્ષિત બનશે.આ ઉપરાંત જળ સંચયને વેગ આપવા માટે રૂ. ૨૫ લાખના ખર્ચે ચેકડેમ રિપેરિંગનું કામ હાથ ધરવામાં આવશે. ચેકડેમના પુનઃઉધ્ધારથી વરસાદી પાણીનો સંગ્રહ વધશે અને ભૂગર્ભ જળસ્તરમાં પણ વધારો થવાની આશા છે. જેના કારણે સ્થાનિક ખેતી અને પાણીની જરૂરિયાતને ફાયદો થશે.બાળકોના પ્રારંભિક શિક્ષણ અને પોષણની સુવિધા વધુ મજબૂત બને તે માટે રૂ. ૨૦ લાખના ખર્ચે નવી આંગણવાડીનું નિર્માણકાર્ય પણ શરૂ કરવામાં આવશે. આંગણવાડી મારફતે નાના બાળકોને શિક્ષણ, પોષણ અને અન્ય જરૂરી સેવાઓ મળી રહેશે. અમરેલીના શહેરી વિસ્તારોની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વિકાસકાર્યોને ગતિ આપવામાં આવી રહી છે. ગ્રામીણ જનજીવન વધુ સુખમય બને અને સ્થાનિક કક્ષાએ જરૂરી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે વિવિધ વિકાસકાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે. મેઘા પીપળીયા ખાતે સાકાર થનારા આ પ્રોજેક્ટ્‌સથી ગામના માળખાકીય વિકાસને વેગ મળશે. પૂર સંરક્ષણ દિવાલ, ચેકડેમનું રિપેરિંગ અને આંગણવાડી જેવા કામો ગ્રામ્ય વિસ્તારના સામાજિક અને આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ સાબિત થશે.