દામનગરના આંબેડકરનગર વિસ્તારમાં નણંદોના માનસિક ત્રાસ અને વારંવારના કંકાસથી કંટાળીને એક ૨૮ વર્ષીય પરિણીતાએ ફિનાઈલ ગટગટાવી આપઘાત કરવાનો પ્રયાસ કર્યાનો બનાવ સામે આવ્યો હતો. ગંભીર હાલતમાં પરિણીતાને પ્રથમ સ્થાનિક હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે અમરેલી ખસેડવામાં આવી હતી.દામનગરના ધામેલ રોડ પર આવેલા આંબેડકરનગરમાં રહેતી પરિણીતા અને તેમના પતિને તેમની નણંદો અવારનવાર બદનામ કરવાના હેતુથી મેણા-ટોણા મારતી હતી. નણંદો દ્વારા પરિવારમાં સતત ઝઘડા કરાવવામાં આવતા હતા અને દંપતીને ખોટી રીતે હેરાન-પરેશાન કરવામાં આવતું હતું. નણંદોના સતત માનસિક ત્રાસથી કંટાળીને અને મનમાં ખરાબ વિચારો આવતાં પરિણીતાએ પોતાના ઘરના બાથરૂમમાંથી ફિનાઈલની બોટલ લઈ ફિનાઈલ પી લીધું હતું. દામનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ડી. એ. ચારોલા વધુ તપાસ કરી રહ્યા છે.