નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં જંગલ જમીનના હક્કનો મુદ્દો ફરી એકવાર ગરમાયો છે. ખોપી ગામે સાંસદ મનસુખ વસાવાએ ખેડૂતો સાથે બેઠક યોજી અહિંસક લડતનું આહ્વાન કર્યું છે. નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખોપી ગામે સાંસદ મનસુખ વસાવાએ જંગલ જમીનના ખેડાણના મુદ્દે ખેડૂતો સાથે બેઠક યોજી હતી.અંદાજે ૧૦થી ૧૨ ગામોના ખેડૂતો લાંબા સમયથી જંગલ જમીન પર પોતાના હક્ક માટે લડત ચલાવી રહ્યા છે. હવે આ લડતમાં સાંસદ મનસુખ વસાવા પણ ખેડૂતોના સમર્થનમાં ખુલ્લેઆમ મેદાને ઉતર્યા છે.બેઠક દરમિયાન સાંસદે ખેડૂતોને જંગલ જમીન સંબંધિત કાયદાઓ અંગે માર્ગદર્શન આપ્યું અને પોતાના અધિકારો માટે કાયદેસરની રીતે લડત લડવાની અપીલ કરી.સાંસદ મનસુખ વસાવાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે વન વિભાગના અધિકારીઓ કે કર્મચારીઓ સાથે કોઈપણ પ્રકારનું ઘર્ષણ કે અથડામણ કરવી નહીં, પરંતુ મહાત્મા ગાંધીના અહિંસાના માર્ગે રહી શાંતિપૂર્ણ રીતે પોતાના હક્ક માટે સંઘર્ષ ચાલુ રાખવો.સાંસદ મનસુખ વસાવાએ ખેડૂતોને વિશ્વાસ અપાવતા કહ્યું કે જ્યાં સુધી જંગલ જમીનના પ્રશ્નનો કાયમી ઉકેલ નહીં આવે, ત્યાં સુધી તેઓ ખેડૂતોની સાથે ખભે ખભા મિલાવી ઊભા રહેશે.જંગલ જમીનના હક્કને લઈને ખેડૂતોની લડતને હવે સાંસદ મનસુખ વસાવાનું સમર્થન મળતા આ મુદ્દો ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. આગામી દિવસોમાં આ મુદ્દે શું નિર્ણય આવે છે તેના પર ખેડૂતોની નજર મંડાયેલી છે.