ભારત રત્ન ડો. બી.સી. રોયની સ્મૃતિમાં ઉજવાતા રાષ્ટ્રીય ડાક્ટર્સ ડે નિમિત્તે ડા. કલામ ઇનોવેટિવ સ્કૂલ, અમરેલીના વિદ્યાર્થીઓએ શહેરના વિવિધ ડાક્ટરોની રૂબરૂ મુલાકાત લઈ “સ્વાસ્થ્ય સૈનિક સન્માન” અર્પણ કર્યું હતું. વિદ્યાર્થીઓએ પોતાના હાથે તૈયાર કરેલા સન્માનપત્રો, શુભેચ્છા સંદેશો અને ચિત્રો ભેટ આપી ડાક્ટરોની નિઃસ્વાર્થ સેવાપ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓ અને ડાક્ટરો વચ્ચે પ્રેરણાદાયી સંવાદ પણ યોજાયો હતો. શાળાના બાબરીયા સાહેબ અને ભગવાન સાહેબ વિદ્યાર્થીઓ સાથે વિવિધ હોસ્પિટલો અને ક્લિનિકોમાં જોડાયા હતા. આચાર્ય રીનાબા ધાધલે જણાવ્યું હતું કે આવા કાર્યક્રમોથી બાળકોમાં માનવતા, કૃતજ્ઞતા અને સમાજ પ્રત્યેની જવાબદારીની ભાવના વિકસે છે. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓએ સ્વચ્છતા, આરોગ્ય જાગૃતિ અને સ્વસ્થ જીવનશૈલી માટે સમાજને પ્રેરિત કરવાનો સંકલ્પ કર્યો હતો. શાળાની આ પહેલે ડાક્ટરો પ્રત્યે આદર અને માનવસેવાના મૂલ્યોને ઉજાગર કરતું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્‌યું હતુ.