ચોમાસાની શરૂઆતમાં જ વરસાદી માહોલ વચ્ચે રોડ પર આવેલા ખાડાને કારણે માસૂમ બાળકીના મોતની હૃદયદ્રાવક અને કાળજું કંપાવી દેનારી ઘટના હાલ સુરત શહેરના કડોદરા વિસ્તારમાંથી સામે આવી છે. ઘર નજીક રોડ પર રમતાં-રમતાં એક નાની માસૂમ બાળકી અચાનક વરસાદી પાણીથી ભરેલા મસમોટા ખાડામાં પડી ગઈ હતી. જે બાદ ડૂબી જવાથી બાળકીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જેને પગલે સ્થાનિકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.
મળતી માહિતી મુજબ, આ ચકચારી ઘટના સુરતના કડોદરામાં આવેલા શ્રીનિવાસથી શિવમ નગર જતા રોડ પર સર્જાઈ હતી. સોસાયટી બહાર મુખ્ય માર્ગ પર લાંબા સમયથી એક મોટો જાખમી ખાડો પડેલો હતો. જેમાં તાજેતરમાં થયેલા વરસાદના કારણે આ ખાડામાં મોટી માત્રામાં વરસાદી પાણી ભરાઈ ગયું હતું, જે વસરાદી પાણી ભરેલો ખાડો રમતાં-રમતાં આવી ચઢેલી માસૂમ બાળકી માટે કાળ સાબિત થયો છે.
મૃતક બાળકીની ઓળખ વૈશાલી તરીકે થઈ છે, જે શ્રીનિવાસની બાજુમાં જ આવેલી શિવમ નગર સોસાયટીના મકાન નંબર ૧૭૭માં પોતાના પરિવાર સાથે રહેતી હતી. તે ઘર નજીક રસ્તા પર રમી રહી હતી, ત્યારે અચાનક આ પાણીથી લબાલબ ભરેલા ઊંડા ખાડામાં ખાબકી ગઈ હતી. બાળકીને ખાડામાં ખાબકતા જાઈને આજુબાજુના સ્થાનિક લોકો તાત્કાલિક તેને બચાવવા માટે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
સ્થાનિક રહીશોએ ભારે જહેમત બાદ બાળકીને પાણીના ખાડામાંથી બહાર કાઢી હતી અને સમય ગુમાવ્યા વિના તેને તાબડતોબ સારવાર અર્થે નજીકમાં આવેલી સંજીવની હોસ્પિટલ ખાતે ખસેડી હતી. જા કે, હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં ફરજ પરના ડોક્ટરોએ બાળકીને તપાસીને મૃત જાહેર કરી હતી, જેના કારણે પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે.
નોંધનીય છે કે, આ સમગ્ર દુર્ઘટના બાદ બાળકીના પિતાએ સ્થાનિક વહીવટી તંત્ર અને આગેવાનોની ઘોર બેદરકારી સામે ગંભીર આક્ષેપો કર્યા છે. પિતાના જણાવ્યા મુજબ, આ રોડ પરના જાખમી ખાડા બાબતે સ્થાનિક રહીશો દ્વારા અગાઉ અનેકવાર શ્રીનિવાસ સોસાયટીના પ્રમુખ તેમજ અન્ય લોકોને રજૂઆતો કરવામાં આવી હતી, છતાં આ ખાડો પૂરવામાં ન આવ્યો અને વરસાદી પાણી ભરાતા તેમની દીકરીએ જીવ ગુમાવવો પડ્યો છે, ત્યારે હાલ તો આ માસૂમ બાળકીના મોતનો કિસ્સો ભારે ચર્ચાસ્પદ બન્યો છે.




































