૧ જુલાઈ એટલે કે ‘રાષ્ટ્રીય ડાક્ટર્સ ડે’ (ડાક્ટર દિવસ) નિમિત્તે સમગ્ર દેશમાં તબીબોની સેવાને બિરદાવવામાં આવી રહી છે, ત્યારે અમરેલી જિલ્લામાં ૧૦૮ ઈમરજન્સી સેવા અને ખિલખિલાટ ડ્રોપ બેક યોજનાના સ્ટાફ દ્વારા સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દર્દીઓની આરોગ્ય સુરક્ષા અને સ્વચ્છતાને પ્રાધાન્ય આપીને સ્ટાફ દ્વારા એમ્બ્યુલન્સ અને લોકેશનની સફાઈનું વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ કર્મચારીઓએ એમ્બ્યુલન્સની સંપૂર્ણ સફાઈ કરી હતી. આ ઉપરાંત તમામ તબીબી સાધનોની ખૂબ જ ચોકસાઈપૂર્વક તપાસ કરવામાં આવી હતી, જેથી ઈમરજન્સી સેવાઓમાં કોઈ ખામી ન સર્જાય. આ સાથે જ, એમ્બ્યુલન્સ જ્યાં પાર્ક થાય છે તે તમામ લોકેશન અને તેની આસપાસના પરિસરને પણ સ્વચ્છ બનાવવામાં આવ્યું હતું. ડાક્ટર દિવસની આ અનોખી ઉજવણી પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય દર્દીઓને સંપૂર્ણ જંતુમુક્ત અને સુરક્ષિત વાતાવરણમાં તાત્કાલિક સારવાર પૂરી પાડવાનો છે.