રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં આવેલ ધોધાવદર અને રામોદ ગામ વચ્ચે એક અત્યંત હૃદયદ્રાવક અને ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ઝડપે આવી રહેલી એક કાર અને એકટીવા વચ્ચે થયેલી ધડાકાભેર ટક્કરમાં એકટીવા પર સવાર એક જ પરિવારના ત્રણ સભ્યોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં છે. આ ભયાનક દુર્ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અને મૃતકોના વતન અનિડા ભાલોડી ગામમાં ઘેરા શોકની કાલિમા છવાઈ ગઈ છે.મળતી માહિતી મુજબ, અનિડા ભાલોડી ગામના રહેવાસી જયેશભાઈ કરશનભાઈ બગડા (ઉંમર વર્ષ ૪૦) પોતાના એÂક્ટવા (નંબર જીજે ૦૩ એલએસ ૫૯૭૧) પર પત્ની શાંતુબેન (શારદાબેન) અને ૧૩ વર્ષીય પુત્ર વ્રજ સાથે રામોદ ખાતે સસરાના ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન ધોધાવદર નજીકથી પસાર થતી વેળાએ સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલી ટાટા નેક્સોન કાર (નંબર જીજે ૨૩ સીએફ ૦૪૭૨) સાથે એક્તીવાનો ભયાનક અકસ્માત થયો હતો. ટક્કર એટલી જારદાર હતી કે કાર એÂક્ટવાને ખાડા સુધી ઢસડી ગઈ હતી અને પલટી મારી ગઈ હતી. એકટીવા પરથી ફંગોળાઈ ગયેલા પતિ, પત્ની અને માસૂમ પુત્ર ત્રણેયનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઊડી ગયું હતું.
અકસ્માત સર્જનાર નેક્સોન કાર કોઈ મહિલા ચલાવી રહી હોવાનું જાણવા મળ્યું છે. કારમાં સવાર લોકો બોટાદના સાળંગપુર હનુમાનજીના દર્શન કરીને ગોંડલ ખાતે આવેલ અક્ષર મંદિર (અક્ષર ડેરી) દર્શનાર્થે જઈ રહ્યા હતા. આ ધાર્મિક યાત્રા દરમિયાન જ આ કાળજાળ અકસ્માત સર્જાયો હતો, જે ભાલોડીના બગડા પરિવાર માટે કાળ સાબિત થયો હતો.
દુર્ઘટનાની જાણ થતાં જ સ્થાનિકોના ટોળાં ઉમટી પડ્યા હતા અને તુરંત પોલીસ તથા ૧૦૮ને જાણ કરવામાં આવી હતી. બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને ગોંડલથી ૨ અને કોટડા સાંગાણીથી ૧ એમ કુલ ૩ એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસ અને રાહદારીઓની મદદથી ત્રણેય મૃતકોના પાર્થિવ દેહને ગોંડલ સિવિલ હોÂસ્પટલ ખાતે પીએમ (પોસ્ટમોર્ટમ) અર્થે ખસેડવામાં આવ્યા છે. પીએમની વિધિ પૂર્ણ થયા બાદ મૃતદેહો પરિવારજનોને સોંપવામાં આવશે, જ્યાંથી તેમના સ્વગૃહ અનિડા ખાતે અંતિમયાત્રા નીકળશે.








































