ગુજરાતી, અંગ્રેજી અને વૈજ્ઞાનિક નામ:-ગુંદાનું વૈજ્ઞાનિક નામ કોર્ડીયા ડાયકોટોમા(Crodia diachotoma) અને બોરાગીનેસી (Broaginaceae) કુટુંબનું મહત્વનું ફળ છે. તેને ભારતમાં ગુંદર બેરી, ભારતીય ચેરી, ટેટી, ગુલાબી મોતી, લસોડા અને ગુંદી જેવા નામોથી ઓળખવામાં આવે છે.
વતન: આ ફળ પાકનું વતન ભારત અને તેના આજુબાજુનો વિસ્તાર માનવામાં આવે છે. પરંતુ તે સમગ્ર વિશ્વના ગરમ વિસ્તારોમાં જોવા મળે છે. ભારતમાં રાજસ્થાનના સુકા પાનખર જંગલોથી લઈને પશ્વિમ ઘાટના ભેજવાળા પાનખર જંગલોમાં અનેક જાતો જોવા મળે છે.
સામાન્ય માહિતી: ગુંદા એ દુષ્કાળ અને સુકા વિસ્તારમાં ટકી રહેતો પાક હોવાથી તેના વૃક્ષો ઉત્તર ભારતના સુષ્ક અને અર્ધસુષ્ક વિસ્તારોમાં વ્યાપક રીતે ફેલાય છે. પાનખર ઋતુમાં પાન ખરી પડે છે અને વસંતમાં નવી કુંપણો ફુટે છે. આ ફળ પાકના વૃક્ષો દુષ્કાળ સામે ટકી રહેવા, પર્ણરંધ્રો બંધ કરવા, પર્ણ શિયાળામાં ખરી પડવા, ઉંડા અને જટીલ મૂળતંત્રો જેવી ક્ષમતાઓ ધરાવે છે. ફુલો આછા પીળા રંગના, સુગંધીત અને ગુચ્છામાં આવે છે. ફુલો ટૂંકી દાંડી વાળા, ઉભયલીંગી, સ્ટાર આકારના અને પાંચ ભાગોમાં વિભાજીત હોય છે. ફળ ઠળીયાવાળા, ર.૦ થી ૩.૦ સે.મી. લાંબા અને ગોળાકાર હોય છે. અપરિપકવ ફળ લીલા રંગના અને પરિપકવ ભુખરા રંગના હોય છે. ફળ પાકવાનો સમય જૂન-જુલાઈ છે. ફળના બીજ, અંડાકાર, ચપટા અને ૭ મિ.મી. લાંબા તથા એન્ડોસર્મ વગરના હોય છે. પોષણમૂલ્ય: ર% પ્રોટીન, ૯ર% કાર્બોહાઈડ્રેટ, ૬ મિ.ગ્રામ આયર્ન, ર૭પ મિ.ગ્રામ ફોસ્ફરસ અને પપ મિ.ગ્રામ કેલ્શિયમ.
ઉપયોગઃ- ઔષધીયઃ
• ફળો સુગર અને મિનરલ્સનો એક ઉતમ સ્ત્રોત છે. તેનો ઉપયોગ પરોપજીવી
કૃમિઓ, કીડનીને લગતી બીમારીઓ, સોજા ઉતારવા, કફ દુર કરવા, બ્લડ પ્રેશર ઘટાડવા અને મોઢાની ચાંદીઓ દુર કરવામાં થાય છે.
• માથાના દુઃખાવા અને ગળાના ચાંદા દુર કરવા વપરાય છે.
• છાલનો ઉપયોગ તાવ મટાડવાની દવામાં થાય છે.
• બીજનો ઉપયોગ રીંગવોર્મના બાહ્ય ઈલાજમાં થાય છે.
ઔદ્યોગિક:- કાચા ફળનો ઉપયોગ અથાણા અને પાકા ફળો બીજી ઘણી ઘરેલુ વાનગી બનાવવામાં થાય છે. ફળોમાંથી મળતો ચીકણો પદાર્થ ગુંદ બનાવવામાં ઉપયોગી છે. તેના ટીમ્બરનો ઉપયોગ વિવિધ ઘરેલું ચીજવસ્તુઓ જેવી કે, લાકડાના ઓછા વજનના લીધે બોટ અને ખેતીના ઓજાર બનાવવામાં થાય છે. થડની છાલમાં ર% ટેનીન હોય છે. જેનો ઉપયોગ કલર કરવાના ડાય બનાવવામાં થાય છે.
હવામાન: તે ઉષ્ણ, સમષિતોષ્ણ હવામાન ધરાવતા વિસ્તારોમાં ખૂબ જ અનુકૂળ છે. આ ઉપરાંત દરિયાઈ સપાટીથી ૧પ૦૦ મી. સુધીની ઉંચાઈ પર (અને વાર્ષિક પ૦૦ મિ.મી.થી ઓછા વરસાદ વાળા વિસ્તારોમાં સરળતાથી) ઉછેરી શકાય છે. આ ફળના વૃક્ષો હિમવર્ષાથી ખૂબ જ સંવેદનશીલ છે. પરંતુ ઉચ્ચ તાપમાન સહન કરી શકે છે.
જમીન:- આ ફળ પાકને ઉંડી, ભેજવાળી, ગોરાડુ અને રેતાળ જમીન ખૂબ જ અનુકૂળ છે. આમ છતાં દરેક પ્રકારની જમીન પણ અનુકૂળ આવે છે.
જાતો:- આ ફળપાકમાં ઘણી જનીનીક વિવિધતા જોવા મળે છે. પરંતુ હજુ સુધી કોઈ સુધારેલી જાતો મળી નથી. સામાન્ય રીતે ફળોનું બે પ્રકારમાં વર્ગીકરણ કરવામાં આવેલ છે. મોટા આકારના અને નાના આકારના. આમ છતાં મોટા ફળો ધરાવતી જાતો પૈકી પારસ ગુંદા ગુજરાતમાં અને નારૂવલી તમિલનાડુમાં પ્રચલીત છે. સંવર્ધનની રીતો: મુખ્તત્વે બીજ દ્વારા સંવર્ધન કરવામાં આવે છે. પરંતુ તેમાંથી મળતા છોડોમાં જનીનીક વિવિધતા જોવા મળે છે. આ માટે બીજને પાકા ફળોમાંથી એકત્રિત કરી તરત જ એપ્રિલ-જૂન સુધીમાં નર્સરીમાં પોલીથીન ટયુબમાં ઉછેરવામાં આવે છે. આ પ્રકારે ઉછેરવામાં આવતા બીજનો ઉગવાનો દર રપ થી ૩૦% જેટલો હોય છે. માતૃછોડ જેવા જ છોડ મેળવવા માટે મુખ્યત્વે બે પ્રકારે આંખ ચડાવવામાં (પેચ અને આઈ) આવે છે. આ માટેનો ઉત્તમ સમય જુલાઈથી સપ્ટેમ્બર અને ૮ થી ૧૦ મહિના જુના કોડીયા મિકસ અથવા કોડીયા ગ્રાફ જેવા અન્ય કૌટુંબિક સભ્યોનો સ્ટોક તરીકે ઉપયોગમાં કરવામાં આવે છે. આ પ્રકારના સંવર્ધનની સફળતા ૯૬.૭% જેટલી હોય છે. આ ઉપરાંત કટકા કલમ પણ એક વર્ષ જુની માતૃછોડની ડાળોને જુલાઈ થી ઓગષ્ટ વચ્ચે ૧૦૦૦ પીપીએમ વૃદ્ધિ વર્ધકની સારવાર આપવાથી મૂળનો ઝડપી વિકાસ થાય છે. આ ઉપરાંત પાંચ વર્ષ જુના વૃક્ષોમાં ટોચકામથી નાના ફળોને મોટા ફળમાં રૂપાંતરીત કરવાની તકનિક જોબનેર દ્વારા વિકસાવવામાં આવી છે.
અંતર અને રોપણી:- આ ફળ પાકને પ થી ૬ મીટર અંતરે ચોરસ પધ્ધત્તિથી ર×ર×ર ફુટ આકારનો ખાડો ખોદી તેમાં ૧પ થી ર૦ કિલો સેન્દ્રીય ખાતર અને ૧૦૦ ગ્રામ ક્લોરપાયરીફોસ ૫% મમરી મિકસ કરી માટી દ્વારા ભરી દેવામાં આવે છે. ફેરરોપણી જુલાઈ થી સપ્ટેમ્બર મહિનામાં એક વર્ષની વયે કરવી હિતાવહ છે.
તાલીમ અને છાંટણી:- ગુંદાને નિયમીત છાંટણીની જરૂરિયાત નથી. શરૂઆતના વર્ષમાં નાના છોડને મજબુત માળખું બને તે માટે ૪ થી ૬ ડાળીઓને (જમીનથી ૧ મીટર ઉંચાઈ સુધી વધેલી) મુખ્ય થડમાંથી નીકળતી શાખાઓને શરૂઆતના બે-ત્રણ વર્ષ સુધી છાંટણી દ્વારા દુર કરવી. આ ઉપરાંત થડમાંથી નીકળતી, અનીચ્છનીય, રોગીષ્ટ અને નબળી ડાળીઓ સમયાંતરે છાંટણી કરતા રહેવું.
પોષણ વ્યવસ્થા:- તાલીમબધ્ધ અભ્યાસ હજુ સુધી ન થયેલ હોય પરંતુ ૧૦૦ઃપ૦ઃપ૦ ગ્રામ નાઃફોઃપો પ્રતિ છોડ આપવો હિતાવહ છે. આ રીતે પછીના પાંચ વર્ષ સુધી આપતા રહેવું ત્યારબાદ વધારે વિકાસ અને વધુ ઉત્પાદન માટે ૧૦૦ઃ૧રપઃ પ૦ ગ્રામ નાઃફોઃપો સાથે ૧૦ કિલો સેન્દ્રીય ખાતર પ્રતિ ઝાડ પ્રતિ વર્ષ ચોમાસા દરમ્યાન આપવું.
નોંધ:- આ ઉપરાંત વર્ષ દરમ્યાન સંપૂર્ણ જથ્થો સેન્દ્રીય ખાતર અને અડધો જથ્થો નાઃફોઃપો ડિસેમ્બર-જાન્યુઆરીમાં નવી ડાળીઓ અને પર્ણ વખતે અને બાકીનું ખાતર ચોમાસામાં આપવું.
પિયત:- પિયત માટે દરેક છોડની ફરતે ૧ મીટર વ્યાસનો બેસીન પધ્ધતિ દ્વારા પાણી સાથે ખાતર (ફર્ટીગેશન) ભેળવીને આપી શકાય છે. દુષ્કાળ સામે ટકી રહેનાર હોવાથી એક વખત ઉછરી ગયા બાદ પાણીની જરૂર પડતી નથી. તેમ છતાં જરૂરિયાત પ્રમાણે પિયત આપતા રહેવું.
નિંદામણ અને આંતરખેડઃ- શરૂઆતના તબક્કે આંતરપાકો જેવા કે બાજરો, ગુવાર અને મગ લેવાથી નિંદણ મુકત રાખી શકાય છે. વયસ્ક વૃક્ષોમાં વર્ષમાં ૩ થી ૪ વખત ખેડ કરવી અને મલ્ચીંગ જેવી પધ્ધત્તિઓનો અભિગમ અપનાવવાથી બગીચાઓને નિંદણ મુકત કરી શકાય. મલ્ચીંગ તરીકે કાળી પ્લાસ્ટીક ફિલ્મ કે સેન્દ્રીય કચરાનો ઉપયોગ કરી શકાય છે.
પાક સંરક્ષણ:- આ પાકનો મુખ્ય ફાયદો એ છે કે તે સંપૂર્ણ રોગ જીવાતથી મુકત છે. આમ છતાં કુણાં પાંદડાઓનું નુકસાન અટકાવવા ર થી ૩ સ્પ્રે ૦.૦૩% મોનોક્રોટોફોસનો ૧પ દિવસના સમયાંતરે કરવો હિતાવહ છે. આ ઉપરાંત ર સ્પ્રે બાવીસ્ટીન (ર ગ્રામ/લિટર) ૧૦ દિવસના સમયાંતરે કરવાથી રોગ સામે રક્ષણ મેળવી શકાય છે.
વીણી, કાપણી અને ઉત્પાદન ઃ- સારી માવજત: આંખ કલમથી કરેલા છોડમાં ફળ આવવાની શરૂઆત ત્રણ વર્ષે અને બીજથી ઉછેરેલ છોડમાં ચોથા કે પાંચમાં વર્ષે થાય છે. ઉત્તર ભારતમાં ફુલો બેસવાનો સમય માર્ચ-એપ્રિલ અને ફળો પાકવાનો સમય મે-જુલાઈ છે. જયારે દક્ષિણ ભારતમાં તે વહેલો હોય છે. આ ફળ પાકની કાપણી હાથ દ્વારા કરવામાં આવે છે.
લગભગ ૧પ વર્ષે જૂનું ઝાડ ૧.પ થી ર કવીન્ટલ ફળો આપે છે. આ ફળો અપરિપકવ અને લીલા રંગના હોય ત્યારે અથાણા અને રસોડામાં વિવિધ વાનગી બનાવવામાં ઉપયોગી છે. પરિપકવ ફળો ભુખરા પીળા રંગના અને મીઠાશવાળો પલ્પ ધરાવતા હોય છે. સંપૂર્ણ પરિપકવ ફળો સીધા જ ખાવા માટે અથવા મૂલ્યવર્ધન વાનગી બનાવવા થાય છે. સંપૂર્ણ પરિપકવ ફળો ઘાટા ગુલાબી રંગના હોય છે.
પ્રોસેસીંગ અને મૂલ્યવર્ધન:- પાકેલા ફળોમાંથી આલ્કોહોલ ડ્રિન્ક બનાવવામાં અને પલ્પ પેકટીનથી સભર હોવાથી જામ અને જેલી બનાવી શકાય.










































