ગીર પૂર્વ વન વિભાગની જસાધાર રેન્જ હેઠળ આવતા ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામની સીમમાં અરજણભાઈ જોધાભાઈ ડાંગોદરાની વાડીના કૂવામાંથી આશરે પાંચ વર્ષના નર સિંહનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઈ હતી. સુરક્ષાની દૃષ્ટિએ કૂવા પર પેરાપેટ બનાવી પ્લાસ્ટિકની નેટ જાળી લગાવવામાં આવી હોવા છતાં સિંહ કૂવામાં ખાબક્યો હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં શિકારની શોધમાં નીકળેલા સિંહનો પગ લપસતાં તેણે જાળી તોડી કૂવામાં પડ્યો હોવાનું અને બહાર ન નીકળી શકતાં તેનું મોત થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે.ચોમાસાને કારણે વાડી માલિક ઓછા આવતા હતા. દરમિયાન સવારે વાડી પર આવેલા તેમના પુત્ર જયેશભાઈએ મોટર ચાલુ કર્યા બાદ ચક્કર મારતાં કૂવા પરની તૂટેલી જાળી જોઈ હતી. કૂવામાંથી ભારે દુર્ગંધ આવતાં અંદર તપાસ કરતાં સિંહનો મૃતદેહ જોવા મળ્યો હતો. ત્યારબાદ તેમણે તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી.










































