ગાંધી જયંતી નિમિત્તે રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયા અમરેલીના ખાદી ગ્રામ ખાતે ખાદીની ખરીદી કરવા પહોંચ્યા હતા. તેમણે મહાત્મા ગાંધીજીના સ્વદેશી અને આત્મનિર્ભરતાના વિચારોને આગળ વધારવા ખાદી અપનાવવાનો સંકલ્પ કર્યો હતો. તેમણે ખાદી અપનાવી આત્મનિર્ભર ભારતના સંકલ્પને મજબૂત બનાવવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે અમરેલી ખાતે ગાંધી જયંતી નિમિત્તે યોજાયેલી સ્વચ્છતા રેલીનો પણ પ્રારંભ કરાવ્યો હતો. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના સ્વચ્છતા અને સ્વસ્થ સમાજના સંદેશને જનજન સુધી પહોંચાડવાના સંકલ્પ સાથે યોજાયેલી રેલીમાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. આ ઉપરાંત મંત્રી કૌશિકભાઈ વેકરીયાએ ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રધ્ધાસુમન અર્પિત કર્યા હતા. તેમણે સત્ય, અહિંસા અને સ્વચ્છતાના વિચારોને જીવનમાં ઉતારી રાષ્ટ્રસેવાના સંકલ્પને વધુ મજબૂત બનાવ્યો હતો.







































