કોડીનાર તાલુકા કો-ઓપરેટિવ બેન્કિંગ યુનિયન લિ.ની ૧૧૩મી વાર્ષિક સાધારણ સભા બેંક ખાતે ચેરમેન પી.એસ. ડોડીયાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેંકના જનરલ મેનેજર વિજયભાઈ બારડે બેંકના નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ના ઉત્કૃષ્ટ પરિણામોની માહિતી આપતાં જણાવ્યું હતું કે બેંકે ચાલુ વર્ષે રૂ. ૭.૬૧ કરોડનો ચોખ્ખો નફો હાંસલ કર્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે બેંકનું કુલ ધિરાણ રૂ.૪૫૦૦૮.૩૩ લાખ સુધી પહોંચ્યું છે, જે ગત વર્ષની સરખામણીએ રૂ. ૮૮૪૪.૮૫ લાખનો નોંધપાત્ર વધારો દર્શાવે છે. બેંકની થાપણોમાં પણ સતત વધારો નોંધાયો છે. ગત વર્ષે રૂ.૪૪૦૧૬.૪૪ લાખ રહેલી થાપણો ચાલુ વર્ષે વધીને રૂ. ૫૧૨૦૭.૬૨ લાખ સુધી પહોંચી છે, જે બેંક પ્રત્યે લોકોના મજબૂત વિશ્વાસનું પ્રતિબિંબ હોવાનું જણાવાયું હતું. ચેરમેન પી.એસ. ડોડીયાએ જણાવ્યું હતું કે તાલુકાભરના ખેડૂતો, સહકારી મંડળીઓ, ઉદ્યોગકારો, વેપારીઓ અને સભાસદોના અતૂટ વિશ્વાસને કારણે બેંક સતત પ્રગતિના નવા શિખરો સર કરી રહી છે.










































