ઉના તાલુકાના સોનેરી ગામ નજીક બુધવારે સાંજના સમયે બાઇક અને રિક્ષા વચ્ચે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ કમનસીબ ઘટનામાં નાથળ ગામના ત્રણ યુવાનોને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર નાથળ ગામના ભીખા ગોહેલ, જાદવભાઈ સીલોત અને મનુભાઈ વશરામભાઈ બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે સામેથી આવતી રિક્ષા સાથે તેમની બાઇક ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં ભીખાભાઈ અને જાદવભાઈને હાથ તેમજ પગના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેમને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ઉનાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે મનુભાઈને સામાન્ય ઇજા થઈ હતી. અકસ્માત થતાં જ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યાં હતાં. કેસરિયા અને દીવ રોડ વચ્ચેના આ જોખમી વિસ્તારમાં વારંવાર અકસ્માતો સર્જાય છે, જેથી સ્પીડ બ્રેકર મૂકવા ગ્રામજનોની ઉગ્ર માંગ છે.








































