અમરેલી નગરપાલિકા દ્વારા શહેર વિસ્તારમાં આવેલા તમામ સરકારી, ખાનગી અને રહેણાંક જર્જરીત મકાનોના માલિકો તેમજ કબજેદારો માટે એક મહત્વની જાહેર નોટિસ બહાર પાડવામાં આવી છે.
ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ની જોગવાઈઓ અનુસાર, તમામ ભયજનક મકાનો કે ઈમારતોનો જર્જરીત ભાગ તાકીદે ઉતારી લેવા અને બાકીના માળખાને સુરક્ષિત કરવા કડક આદેશ આપવામાં આવ્યો છે. નગરપાલિકા દ્વારા અગાઉ પણ નોટિસો આપવામાં આવી હોવા છતાં, જવાબદાર વ્યક્તિઓ દ્વારા હજુ સુધી કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. જો આવા મકાનો પડવાથી આસપાસના જાનમાલને કોઈ નુકસાન થશે, તો તેની સંપૂર્ણ જવાબદારી મકાન માલિકોની રહેશે.
તંત્રએ લોકોને આવા ભયજનક મકાનોમાં પ્રવેશ ન કરવા અને સાવચેતી રાખવા અપીલ કરી છે.
જો આ આદેશનું ત્વરિત પાલન કરવામાં નહીં આવે, તો નગરપાલિકા દ્વારા આવી ઈમારતો ખાલી કરાવીને કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.









































