સફેદ રણ માટે જાણીતા કચ્છ જિલ્લાના ભચાઉ પંથકમાંથી કરોડો રૂપિયાનું મીઠું બારોબાર વેચી મારવાનું એક બહુ મોટું અને સનસનાટીભર્યું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. શાતિર મીઠા માફિયાઓએ છેલ્લા ૬ મહિનાની અંદર અંદાજે ૨.૫ કરોડ ની કિંમતનું ૨૦ હજાર મેટ્રિક ટન મીઠું ચોરી કરીને બારોબાર સગેવગે કરી દીધું હતું. કંપનીના જ સતર્ક કર્મચારીઓએ ગુપ્ત વાચ ગોઠવીને વજન કાંટા (વેબ્રિજ) અને ટ્રક ડ્રાઇવરોની મિલીભગતથી ચાલતા આ આખા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે, જેને પગલે ભચાઉ પોલીસ મથકે ૧૫ શખ્સો સામે ગુનો નોંધાતા ફફડાટ વ્યાપી ગયો છે.

મળતી વિગતો અનુસાર, ભચાઉ વિસ્તારમાં આવેલી અરિહંત સોલ્ટ ઇન્ડસ્ટ્રીઝ, દુર્ગેશ સોલ્ટ ઇન્ડસ્ટ્રીઝ અને શ્રીરામ સોલ્ટ વર્ક્‌સ નામની મોટી અને નામાંકિત કંપનીઓને નિશાન બનાવીને આ કરોડોની ચોરી આચરવામાં આવી હતી. મીઠા માફિયાઓએ ફેક્ટરીના માણસો અને વજન કાંટા (વેબ્રિજ) ના કર્મચારીઓને મોટી લાલચ આપીને પોતાના પક્ષમાં કરી લીધા હતા. કંપનીમાંથી મીઠું ભરીને નીકળતી ટ્રકોનું વજન અને કમ્પ્યુટર ડેટામાં ફેક (નકલી) ફેરફારો કરીને આખેઆખો માલ ફેક્ટરીના રેકોર્ડ પર લાવ્યા વગર જ બારોબાર માર્કેટમાં વેચી મારવામાં આવતો હતો.

પોલીસ તપાસ અને કંપનીના આંતરિક ઓડિટમાં સામે આવ્યું છે કે આ આખા મસમોટા કૌભાંડનો મુખ્ય સૂત્રધાર નંદગામનો ભરત ખટારીયા છે. ભરત અગાઉ પણ આ પ્રકારની આર્થિક છેતરપિંડી અને ચોરીના ગુનાઓમાં સંડોવાયેલો રીઢો ગુનેગાર છે. તેણે આ ચોરીને સુવ્યવસ્થિત અંજામ આપવા માટે ૭ જેટલા ટ્રક ડ્રાઇવરો અને વેબ્રિજના ૪ ઓપરેટરો તેમજ કંપનીના સુપરવાઇઝરોની આખી ચેઈન ઊભી કરી હતી અને બધાને કમિશનની લાલચ આપીને ફોડી નાખ્યા હતા.

છેલ્લા કેટલાક સમયથી માલના જથ્થામાં મોટી ઘટ આવતા કંપનીના ઉચ્ચ અધિકારીઓને શંકા ગઈ હતી. આથી તેમણે કોઈને પણ ખબર ન પડે તે રીતે ખાનગી રાહે તપાસ અને પ્લાનિંગ પૂર્વક વાચ ગોઠવી હતી, જેમાં વજનમાં હેરાફેરી કરવાની આ આખી મોડસ ઓપરેન્ડી અને ચહેરો રંગેહાથ પકડાઈ ગયા હતા.

આ મામલે આખરે ભચાઉ પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે મુખ્ય સૂત્રધાર ભરત ખટારીયા, શંભુ ડાંગર, નારાયણ ભુયાન, સુલતાન, ૪ સુપરવાઇઝર અને ૭ ટ્રક ડ્રાઇવરો સહિત કુલ ૧૫ લોકો સામે વિશ્વાસઘાત, ચોરી અને આર્થિક છેતરપિંડીનો ગંભીર ગુનો દાખલ કર્યો છે. પોલીસે આ રેકેટના અન્ય તાર કયા વેપારીઓ સાથે જોડાયેલા છે તે દિશામાં તપાસ લંબાવીને તમામ આરોપીઓની અટકાયત કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે