અમરેલી શહેરની કમાણી સાયન્સ કોલેજમાં BCA વિભાગના વર્ગોના સમયમાં કરવામાં આવેલા ફેરફારને લઈને વિદ્યાર્થીઓમાં ભારે અસંતોષ જોવા મળ્યો હતો. સમય બદલવાના નિર્ણયનો વિરોધ કરતા વિદ્યાર્થીઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના આગેવાનો સાથે કોલેજ પહોંચ્યા હતા અને સંચાલનને આવેદનપત્ર પાઠવી સમય અંગે પુનર્વિચાર કરવાની માંગ કરી હતી.વિદ્યાર્થીઓનું કહેવું છે કે અગાઉ BCAના વર્ગોનો સમય સવારે ૮ વાગ્યાથી બપોરે ૧ વાગ્યા સુધી હતો. છેલ્લા ઘણા વર્ષોથી આ સમય મુજબ અભ્યાસ ચાલતો હોવાથી વિદ્યાર્થીઓએ પોતાની દૈનિક વ્યવસ્થા તે મુજબ ગોઠવી હતી. હવે અચાનક વર્ગોનો સમય સવારે બદલીને બપોરે ૧૧ વાગ્યાથી સાંજે ૪ વાગ્યા સુધી કરવામાં આવતા અનેક વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે.વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ બહારગામથી અપ-ડાઉન કરતા વિદ્યાર્થીઓને નવા સમયને કારણે વાહન વ્યવસ્થાની સમસ્યા ઉભી થઈ રહી છે. ઉપરાંત, ઘણા વિદ્યાર્થીઓ અભ્યાસ સાથે પાર્ટ-ટાઈમ નોકરી કરીને પોતાની કોલેજની ફી અને અન્ય ખર્ચ પૂરાં કરતા હોવાથી નવા સમયપત્રકના કારણે તેમની નોકરી અને અભ્યાસ વચ્ચે સંતુલન જાળવવું મુશ્કેલ બન્યું છે.છમ્ફઁના અમરેલી જિલ્લા સંયોજક રુદ્ર રાજ્યગુરુએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ છેલ્લા પાંચ વર્ષથી એક જ સમય મુજબ અભ્યાસ કરતા આવ્યા છે. સંચાલને વિદ્યાર્થીઓની સુવિધાનો વિચાર કર્યા વગર સમય બદલવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી ખાસ કરીને બહારથી આવતા અને પાર્ટ-ટાઈમ નોકરી કરતા વિદ્યાર્થીઓને વધુ મુશ્કેલી પડી રહી છે. તેમણે જણાવ્યું કે સંચાલનને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને બે દિવસમાં યોગ્ય નિર્ણય નહીં લેવાય તો વિદ્યાર્થી પરિષદ ઉગ્ર આંદોલન કરશે. વિદ્યાર્થીઓની રજૂઆત બાદ કોલેજ સંચાલને તેમની માંગ લેખિતમાં સ્વીકારી મેનેજમેન્ટ સમક્ષ રજૂ કરવાની ખાતરી આપી હતી. કમાણી સાયન્સ કોલેજ અને પ્રતાપરાય આટ્‌ર્સ કોલેજના પ્રિન્સિપાલ અશોકભાઈ ચંદ્રવાડિયાએ જણાવ્યું હતું કે કોલેજની સ્થાપના સમયથી જ નિયમિત સમય સવારે ૧૧ વાગ્યાથી સાંજે ૫ઃ૧૦ સુધીનો રહ્યો છે અને અધ્યાપન કાર્ય સાંજે ૪ઃ૧૦ વાગ્યા સુધી પૂર્ણ થાય છે. યુજીસીના નિયમો તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના માપદંડોને ધ્યાનમાં રાખીને આ સમય નક્કી કરવામાં આવ્યો છે. તેમણે ઉમેર્યું કે વિદ્યાર્થીઓની રજૂઆત સાંભળવામાં આવી છે અને તેમની માંગ મેનેજમેન્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. હવે કોલેજ સંચાલન વિદ્યાર્થીઓની રજૂઆતને ધ્યાનમાં રાખીને સમયપત્રકમાં ફેરફાર કરે છે કે નહીં, તેના પર વિદ્યાર્થીઓ અને વાલીઓની નજર મંડાઈ છે.