અમરેલી જિલ્લામાં વિકાસની ગતિને વેગ આપવા માટે રાજ્યના કૃષિ મંત્રી અને જિલ્લાના પ્રભારી જીતુભાઈ વાઘાણી તેમજ રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરિયાના વરદહસ્તે આશરે રૂ. ૬૦ કરોડના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમો ભવ્ય રીતે યોજાયા હતા. આ પ્રસંગે અમરેલીની શાન સમાન ઐતિહાસિક ધરોહરના પુનઃઉદ્ધાર માટે વિશેષ જાહેરાત કરવામાં આવી હતી.અમરેલી પંથકમાં એક સમયે ગૌરવશાળી ગાયકવાડી શાસન હતું, જે દરમિયાન શાસકોએ અહીં એક ભવ્ય ક્લોક ટાવરનું નિર્માણ કર્યું હતું. આ ઐતિહાસિક વિરાસતને જાળવી રાખવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના “વિરાસતથી વિકાસ”ના વિઝનને અનુસરીને ગુજરાત સરકારના પ્રવાસન
વિભાગ દ્વારા રૂ. ૩ કરોડના ખર્ચે રિસ્ટોરેશન પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યો છે. મંત્રીઓ અને સાંસદ ભરતભાઈ સુતરિયાની ઉપસ્થિતિમાં આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ તકે લાગણીસભર સંબોધન કરતા જણાવ્યું કે, ક્લોક ટાવર એ અમરેલીનો ‘આત્મા’ છે. આપણી સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસાને સંરક્ષિત રાખવો એ આપણી સહિયારી જવાબદારી છે. તેમણે રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરિયા અને તેમની ટીમની કામગીરીને બિરદાવતા કહ્યું કે, તેઓ ‘નવું અમરેલી-વિકસિત અમરેલી’ના સુવર્ણ સ્વપ્નને સાકાર કરવા માટે અવિરત મહેનત કરી રહ્યા છે. મંત્રીએ ટાવર રિસ્ટોરેશનની સાથે પ્રવાસીઓ માટે એક યાદગાર ‘સેલ્ફી પોઈન્ટ’ બનાવવાનું પણ સૂચન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોએ અમરેલીની ધરતીના મહાન સંત મૂળદાસજી મહારાજને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતાની પ્રતિમાને હારતોરો કરી વંદન કર્યા હતા. ઊર્જા રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરિયાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે અમરેલીના પડતર પ્રશ્નો હવે ટૂંક સમયમાં ભૂતકાળ બની જશે. તેમણે નવી જી.આઈ.ડી.સી, બાયપાસ રોડ અને શુદ્ધ પીવાના પાણી જેવી સુવિધાઓ પૂરી પાડવા માટે સરકારની કટિબદ્ધતા દર્શાવી હતી. આ પ્રસંગે જિલ્લાના વહીવટી અધિકારીઓ, વેપારી મંડળના સભ્યો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.








































