અમરેલીમાં પી.પી.સોજીત્રા ફાઉન્ડેશન તરફથી જરૂરિયાતમંદ અને તેજસ્વી ૧૭૩ વિદ્યાર્થીઓને રૂ.૨૩.૫૦ લાખના ચેક આપવાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયા અને સાંસદ ભરતભાઈ સુતરીયા ખાસ હાજર રહ્યા હતાં. ત્રણ વર્ષ પહેલાં પી.પી.સોજીત્રાના ૬૨મા જન્મદિવસે આ ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવી હતી. હાલમાં ફાઉન્ડેશન પાસે કુલ ૨.૭૫ કરોડનું ફંડ ભેગું થયેલ છે અને તેના વ્યાજમાંથી દરવર્ષે શિષ્યવૃતિ સહાય આપવામાં આવે છે. કાર્યક્રમમા પી.પી.સોજીત્રાએ જણાવ્યુ કે શિક્ષણ દિવસે દિવસે મોંઘુ થતુ જાય છે જેથી આગામી ૩ થી ૪ વર્ષમાં ફાઉન્ડેશનનું ફંડ ૫ કરોડ સુધી પહોંચાડવાનો નિર્ણય કર્યો છે. જેના માટે તેઓ પોતાની વાર્ષિક આવક માંથી ૧૦ ટકા રકમ આપશે. આ પ્રસંગે ભાવિનભાઈ સોજીત્રા અને વિમલભાઈ કથીરીયા દ્વારા ૧૧-૧૧ લાખ રૂપિયા દાન આપવાની જાહેરાત કરવામાં આવી હતી. તદુપરાંત અન્ય દાતાઓ પણ મોટી રકમનું યોગદાન આપવા માટે આગળ આવ્યા હતાં. ડો. ભરતભાઈ કાનાબાર અને પિયુષભાઈ ધાનાણીએ પણ શિક્ષણ ક્ષેત્રે આ કાર્યને બિરદાવ્યા હતાં. મંત્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવેલ કે ૫ કરોડનું લક્ષ્ય પુરુ કરવા તેઓ પણ મદદરૂપ બનશે. આ પ્રસંગે અનેક અગ્રણીઓ અને નેતાઓ ઉપસ્થિત રહ્યા હતાં અને કાર્યક્રમનું સંચાલન પ્રકાશભાઈ જોષી દ્વારા કરવામાં આવ્યું હતું.









































