અમરેલીનું ૧૧૪ વર્ષ જૂનું રેલવે સ્ટેશન હાલ વિવાદમાં આવ્યું છે. ૧૦૦ વર્ષથી વધુ જૂની રેલવે ઇમારતોને યથાવત રાખવાના નિયમ હોવા છતાં કોન્ટ્રાક્ટર અને કામગીરી સંભાળતી એજન્સીની બેદરકારીના કારણે સ્ટેશનની વચ્ચોવચથી રેલવે ટ્રેક કાઢવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ કામગીરીના કારણે અમરેલીની ઐતિહાસિક ઓળખ સમાન રેલવે સ્ટેશનનું અસ્તિત્વ જોખમમાં મુકાયું હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે.ખીજડિયા ટ્રેકના કામ દરમિયાન વર્ષો જૂની વિરાસતને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. સમગ્ર મામલે પૂર્વ સાંસદ નારણ કાછડીયાએ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે, નિયમોની અવગણના કરીને ઐતિહાસિક ધરોહરને નષ્ટ કરવાની કોશિશ થઈ રહી છે.જવાબદાર કોન્ટ્રાક્ટર અને સંબંધિત એજન્સી સામે તપાસ કરીને કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ અમરેલીના ઐતિહાસિક રેલવે સ્ટેશનને સુરક્ષિત રાખવા તાત્કાલિક પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે.