સાવરકુંડલા શહેરમાં કોંગ્રેસ પક્ષ દ્વારા નગરપાલિકા સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાત સહિત પક્ષના મોટી સંખ્યમાં કાર્યકરો અને હોદ્દેદારોએ મહાદેવના મંદિરે અભિષેક કર્યા બાદ નગરપાલિકા કચેરીનો ઘેરાવ કર્યો હતો. કોંગ્રેસના કાર્યકરોએ સુત્રોચ્ચાર સાથે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે કોંગ્રેસ કાર્યાલયથી નગરપાલિકા સુધી પગપાળા રેલી યોજી હતી અને ચીફ ઓફિસરને સંબોધીને ચારથી વધુ મુદ્દાઓ અંગે આવેદનપત્ર સુપરત કર્યું હતું. આ આવેદનપત્રમાં સાવરકુંડલાના શહેરીજનોને નગરપાલિકા દ્વારા અપાતી આવશ્યક સુવિધાઓના અભાવથી પડી રહેલી મુશ્કેલીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.આવેદનપત્રમાં જણાવાયું હતું કે, નગરપાલિકા દ્વારા વિવિધ આવશ્યક સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળતાને કારણે આમ જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. લોકોને પડતી મુશ્કેલીઓ, વધારાના વ્યાજ, રોડ રસ્તાની કથળતી સ્થિતિ, અને ગટર જેવા વિકટ પ્રશ્નોને વાચા આપવા અને તંત્રને જગાડવા માટે આ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. મુખ્ય મુદ્દાઓમાં ખોટી આકારણી કરીને નાના અને ગરીબ માણસો પર કમરતોડ ટેક્સ લાદવાનો અને પઠાણી ઉઘરાણી કરવાનો આક્ષેપ કરાયો હતો. ગુજરાત મ્યુનિસિપાલિટી એક્ટ મુજબ વ્યાજ લેવાની જોગવાઈ ન હોવા છતાં, લોકોને ડરાવી-ધમકાવીને ખોટી જાહેર નોટિસ પ્રસિદ્ધ કરી ૧૮% વ્યાજ વસૂલવાનો પ્રયાસ કરવામાં આવતો હોવાનો પણ આક્ષેપ કરાયો. કોંગ્રેસ દ્વારા તાત્કાલિક અસરથી આ ગેરકાયદેસર ૧૮% વ્યાજનો આદેશ દૂર કરવા અને મકાન-મિલકતની તટસ્થ રીતે ફરીથી આકારણી કરવાની માંગણી કરવામાં આવી છે. આ ઉપરાંત, શહેરમાં સફાઈ, પાણી, ગટર, સ્ટ્રીટ લાઈટ અને શિક્ષણ જેવી મૂળભૂત સુવિધાઓના અભાવ અને ગટરો ઉભરાવાની, રોડ-રસ્તા ખરાબ થવાની તથા પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી જવાની સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.








































