અમરેલી તાલુકા પંચાયતમાં અગાઉ ફરજ બજાવી ચૂકેલા અને હાલમાં ખાંભા ખાતે માર્ગ મકાન વિભાગમાં અધિક મદદનીશ ઇજનેર તરીકે ફરજ બજાવતા તુષાર એ. કેસરિયાને ગ્રામ પંચાયતના વિકાસ કામોને લગતા આક્ષેપોના પગલે તાત્કાલિક અસરથી ફરજ પરથી હટાવવામાં આવ્યા છે. ગ્રામ પંચાયતના વિકાસ કામોના માપપુસ્તકના રેકોર્ડ અને કામોના બિલોને મંજૂરી આપવા માટે અનાધિકૃત રીતે નાણાંની માંગણી કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતને ગંભીરતાથી લઈ જિલ્લા પંચાયત દ્વારા પ્રાથમિક તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન રજૂ થયેલી વિગતોના આધારે અધિકારી સામે ફરજ પ્રત્યેની નિષ્ઠા અને પ્રામાણિકતાના પાલનમાં પ્રથમ નજરે ખામી જોવા મળ્યાનું નોંધવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ અરજદાર ભાવનાબેન નાથાલાલ સુખડિયાએ ૧૧ મેના રોજ લેખિત રજૂઆત કરી હતી. ત્યારબાદ તપાસ અધિકારીની નિમણૂક કરીને સમગ્ર મામલાની તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ અધિકારીએ ૨૫ મેના રોજ પોતાનો અહેવાલ સોંપ્યો હતો. અહેવાલમાં સરકારી કર્મચારી તરીકે અપેક્ષિત આચરણ અંગે ગંભીર પ્રશ્નો ઉભા થતા આગળની કાર્યવાહી જરૂરી હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. સાથે જ સરકારી દસ્તાવેજોમાં કોઈ પ્રકારની ચેડાં થવાની અથવા તપાસને અસર પહોંચે તેવા સંજોગો ઉભા થવાની શક્યતા પણ ધ્યાનમાં લેવામાં આવી હતી. આ તમામ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી જિલ્લા વિકાસ અધિકારી કે. જે. જાડેજાએ તુષાર એ. કેસરિયાને તાત્કાલિક અસરથી ફરજ પરથી હટાવવાનો આદેશ કર્યો છે. સમગ્ર મામલે આગળની વિભાગીય કાર્યવાહી પણ હાથ ધરવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
૩૬ ગામોના ૭૯ વિકાસ કામોના બિલો અટવાતા વિવાદ
ખાંભા ખાતે ફરજ બજાવતા અધિક મદદનીશ ઈજનેર તુષાર કેસરીયા સામે વિકાસ કામોની ફાઈલો દબાવી રાખવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. હંગામી કર્મચારી હોવા છતાં તેણે ૩૬ ગામોમાં થયેલા જુદા જુદા ૭૯ વિકાસ કામોની ફાઈલો લાંબા સમય સુધી અટકાવી રાખતા બે માસથી સંબંધિત કામોના નાણાંનું ચુકવણું થઈ શક્યું નહોતું. દેવળીયા ગામમાં ભાવનાબેન સરપંચ હતા તે સમયના વિકાસ કામોની ફાઈલો પણ ગુમ થતાં બિલોની પ્રક્રિયા અટકી ગઈ હતી. આ મામલે ટીડીઓએ નોટિસ પાઠવી સ્પષ્ટતા માંગતા તુષાર કેસરીયાએ ફાઈલો પોતાની પાસે નથી તેવો જવાબ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે.







































