વિશ્વપ્રસિદ્ધ જૈન તીર્થધામ મહુડી જૈન તીર્થ ટ્રસ્ટમાં મચેલા ઘમસાણ વચ્ચે ટ્રસ્ટી ભૂપેન્દ્ર વેરાએ મેદાનમાં આવીને અંકિત મહેતા અને જયેશ મહેતાના તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવી ફગાવી દીધા છે. વેરાએ આક્ષેપ કર્યો છે કે જે લોકોનું ટ્રસ્ટી પદ રદ થયું છે, તેઓ હવે બદલો લેવા માટે ટ્રસ્ટને બદનામ કરી રહ્યા છે.
ભૂપેન્દ્ર વેરાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, વર્ષ ૨૦૨૪માં અંકિત અને જયેશ મહેતાનું ટ્રસ્ટી પદ રદ કરી દેવામાં આવ્યું હતું. ત્યારથી તેઓ ટ્રસ્ટ સાથે ‘ઝોલ’ કરી રહ્યા છે. અંકિત મહેતાએ ચેરિટી કમિશનરમાં ખોટા કાગળો રજૂ કર્યા અને ટ્રસ્ટી પદ પાછું મેળવવા માટે ટ્રસ્ટ સામે ખોટા કેસો કર્યા છે. અત્યંત ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, અંકિત અને જયેશ મહેતાના ભાઈઓ અગાઉ ચોરીના ગુનામાં પકડાઈ ચૂક્યા છે. હવે આ લોકોની નજર મહુડી ટ્રસ્ટના કિંમતી દાગીના અને મિલકતો પર છે. ટ્રસ્ટની મર્યાદા અને પવિત્રતા જાળવવાને બદલે તેઓ અંગત સ્વાર્થ માટે સંસ્થાને નુકસાન પહોંચાડી રહ્યા છે.
ભૂપેન્દ્ર વેરાના મતે, આ શખ્સો સામે અગાઉ થયેલી કાર્યવાહી અને કાયદાકીય કપાંસથી બચવા તેમજ તેનો બદલો લેવા માટે આ પાયાવિહોણા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. ટ્રસ્ટના વહીવટમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ થઈ હોવાના આક્ષેપોને તેમણે સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે.









































