અમરેલીના ચિતલ ગામ સ્થિત યસ બેંકની શાખામાં બે ગંભીર આર્થિક છેતરપિંડીના બનાવમાં પોલીસ તંત્રએ ત્વરિત કાર્યવાહી કરીને ખેડૂતોને રાહત આપી છે. બેંકના એક કર્મચારી દ્વારા ખેડૂત ખાતેદારોને વિશ્વાસમાં લઈ, કુલ રૂ.૧૩ લાખની રકમની ગેરકાયદેસર ઉચાપત કરવામાં આવી હતી. બેંકના કર્મચારીએ ખેડૂત ખાતેદાર રામજીભાઈ સોરઠિયા પાસેથી સહી કરેલો બ્લેન્ક ચેક મેળવી તેમના ખાતામાંથી રૂ.૮,૦૦,૦૦૦ની રકમ ઉપાડી લીધી હતી. જૂન ૨૦૨૫માં આ બાબતની જાણ થતાં ખેડૂતે વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ વિજયભાઈ દેસાઈનો સંપર્ક કર્યો હતો અને અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હ્લૈંઇ નોંધાવી હતી. ત્યારબાદ ગુજરાત રાજ્ય વિધાનસભાના ઉપદંડક કૌશિકભાઈ વેકરીયા અને વિજયભાઈ દેસાઈ દ્વારા અમરેલી જિલ્લાના પોલીસ અધિક્ષક સંજય ખરાતને જાણ કરવામાં આવતા, પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બેંક કર્મચારીની પૂછપરછ કરી, ખેડૂતના ખાતામાંથી ઉપાડેલી રૂ.૮ લાખની રકમ પાછી મેળવીને ખેડૂતને પરત આપવામાં આવી.
બીજા કેસમાં આ જ બેંકના તે જ કર્મચારી દ્વારા અગાઉ અન્ય ખેડૂત ખાતેદાર નાગજીભાઈ દેસાઈ સાથે રૂ.૫,૦૦,૦૦૦ની રકમ સંબંધિત છેતરપિંડી કરવામાં આવી હતી. પોલીસ તંત્રએ આ મામલાની પણ સઘન તપાસ કરીને કેસનો સફળ ઉકેલ લાવી દીધો હતો. આ ઘટનાઓના સંદર્ભમાં અમરેલી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ વિજયભાઈ દેસાઈએ ગ્રામ્ય વિસ્તારોના નાગરિકો અને ખેડૂત વર્ગને સાયબર ફ્રોડ અંગે જાગૃત કરવા વિશેષ પ્રયાસો હાથ ધર્યા છે. તેમણે ખાતેદારોને અપીલ કરી છે કે, કોઈપણ બેંક કર્મચારીને સહી કરેલો બ્લેન્ક ચેક ન આપવો, સમયાંતરે ખાતાની માહિતી અપડેટ કરવી, વ્યવહારોની નિયમિત ચકાસણી કરવી અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો.








































