ગુજરાતમાં ભાજપ પ્રદેશ પ્રમુખ પદ માટે નામાંકન આજે યોજાયું છે. આજે ગાંધીનગરના કમલમમાં ભાજપના મંત્રી જગદીશ પંચાલે (વિશ્વકર્મા) ફોર્મ ભર્યું છે. જાકે, ભાજપના પ્રદેશ પ્રમુખની સત્તાવાર જાહેરાત આવતીકાલે એટલે કે, ચાર ઓક્ટોબરે કરવામાં આવશે. નવા પ્રદેશ પ્રમુખ માટે ચૂંટણી કાર્યક્રમની સાથે, ભાજપે ચૂંટણી માટે મતદાર યાદી અને નવા રાષ્ટ્રીયય પદાધિકારીઓની ચૂંટણી માટે રાજ્ય પરિષદના પ્રતિનિધિઓની પણ જાહેરાત કરી છે.જગદીશ પંચાલે ફોર્મ ભરતા રાજકારણની અનેક વાતો પર મહોર વાગી ગઈ છે. ભાજપ પ્રદેશ પ્રમુખ માટે ઓબીસી ચહેરો નક્કી થઈ ગયો છે. જગદીશ વિશ્વકર્માનું પ્રમુખ બનવાનું મોટાભાગે નક્કી માનવામાં આવી રહ્યું છે. સૂત્રો પાસેથી એવી પણ માહિતી મળી રહી છે કે, રાષ્ટ્રીયય નેતૃત્વ તરફથી જગદીશ પંચાલના નામને લીલીઝંડી મળી ગઈ છે. રાજકીય વિશ્લેષકોના મતે, જગદીશ પંચાલ ઓબીસી સમાજમાંથી આવે છે. જેથી ભાજપના જ્ઞાતિગત સમીકરણોમાં વિશ્વકર્મા સૌથી ફીટ માનવામાં આવી રહ્યા છે. પાટીદાર મુખ્યમંત્રી અને ઓબીસીને પ્રમુખપદની ફોર્મ્યુલા ગુજરાત માટે હાલ ચર્ચાઈ રહી છે.આજે સવારે બપોરે બે વાગ્યા સુધી નામાંકન માટેની પ્રક્રિયા હાથ ધરાશે. બપોરે ૩.૩૦થી ૪ વાગ્યા સુધીમાં નામાંકનની ચકાસણી કરવામાં આવશે. સાંજે ૫ થી ૫ઃ૩૦ વાગ્યા સુધી નામાંકન પાછું ખેંચી શકાશે. ચોથી ઓક્ટોબરે નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત કરવામાં આવશે.જગદીશ વિશ્વકર્મા હાલમાં ભૂપેન્દ્ર પટેલની સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી છે. તેમણે અગાઉ અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ તરીકે પણ સફળતાપૂર્વક કાર્યભાર સંભાળ્યો છે. રાજકારણની સાથે તેમનો મુખ્ય વ્યવસાય ટેક્સટાઈલ મશીનરી મેન્યુફેક્ટરિંગનો છે. આર્થિક મોરચે, તેઓ અમદાવાદના સૌથી ધનીક ધારાસભ્યો પૈકીના એક છે. જગદીશ વિશ્વકર્મા રાજકીય સંગઠન, સરકારી કામકાજ અને સામાજિક પ્રભાવનું એક સમન્વય છે. વર્તમાનમાં જગદીશ વિશ્વકર્મા રાજ્યકક્ષાના પ્રધાન તરીકે પોતાની સેવા આપી રહ્યાં છે. નિકોલ વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાઈને તેવો ધારાસભ્ય બન્યાં છે. મંત્રીમંડળમાં તેઓ સહકાર, લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગો, કુટીર, ખાદી અને ગ્રામીણ ઉદ્યોગ સાથે નાગરિક ઉડ્ડયન વિભાગનો સ્વતંત્ર હવાલો સંભાળી રહ્યાં છે.રાજ્ય ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, આ સમગ્ર પ્રક્રિયા રાષ્ટ્રીયય ચૂંટણી અધિકારી કે. લક્ષ્મણ અને કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવની હાજરીમાં હાથ ધરવામાં આવશે. ગુજરાત ભાજપના વર્તમાન પ્રમુખ, સીઆર પાટીલ હવે કેન્દ્રીય જળશક્તિ મંત્રી છે અને તેમણે આ પદ પર પાંચ વર્ષ પૂર્ણ કર્યા છે. રાજ્ય પ્રમુખનો કાર્યકાળ ત્રણ વર્ષનો હોય છે. જાકે, લોકસભા ચૂંટણીમાં વિલંબ અને ત્યારબાદના સંગઠનાત્મક ઉત્સવને કારણે, સીઆર પાટીલે પાંચ વર્ષથી વધુ સમય સુધી સેવા આપી છે. તેમને અત્યાર સુધીના સૌથી સફળ પ્રમુખ માનવામાં આવે છે, કારણ કે તેમના કાર્યકાળ દરમિયાન, ભાજપે ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં ૧૮૨ માંથી ૧૫૬ બેઠકો જીતીને ગુજરાતમાં ઇતિહાસ રચ્યો હતો. હાલમાં, ભાજપ પાસે ૧૬૨ ધારાસભ્યો છે. નવા પ્રમુખને એક મહત્વપૂર્ણ સંગઠનાત્મક પડકારનો સામનો કરવો પડશે, કારણ કે ૨૦૨૭ ની ચૂંટણી તેમના નેતૃત્વ હેઠળ લડવામાં આવશે









































