લીલીયા તાલુકાના એકલેરા ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા નવા ચેકડેમના નિર્માણ કાર્યનું તા. ૨૪ નવેમ્બરના રોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાંના સૂત્ર સાથે યોજાયેલા કાર્યક્રમમાં સરપંચ, અગ્રણીઓ, ખેડૂતો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ટ્રસ્ટના પ્રતિનિધિઓએ વરસાદી પાણીનો સંગ્રહ, ભૂગર્ભ જળસ્તરમાં વધારો તથા બોર અને કૂવાઓ રિચાર્જ કરવાના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું. ગ્રામજનોએ ચેકડેમના નિર્માણમાં સહકાર આપવાનો સંકલ્પ કર્યો હતો. આ ચેકડેમથી ખેડૂતોને સિંચાઈ અને ગામને પાણીની સુવિધામાં લાભ થવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી. આ પ્રસંગે દિલીપભાઈ સખીયા, અરવિંદભાઈ ડોબરિયા, રમેશભાઈ ધાનાણી સહિત રણછોડભાઈ આલગીયા, વિનુભાઈ ગૌદાની અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.