લીલીયાના પીપળવા ગામે માર્ગ અને મકાન વિભાગની સરકારી કામગીરી દરમિયાન આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ ગરાણીયા દ્વારા ફરજ પર હાજર મહિલા અધિકારી અને ડેપ્યુટી એન્જિનિયર (DE) સાથે અશોભનીય વર્તન કરવામાં આવ્યુ હોવાની ફરિયાદ તાલુકા પોલીસને કરવામાં આવી છે. મળતી વિગતો મુજબ, માર્ગ અને મકાન વિભાગના મહિલા અધિકારી તથા ડેપ્યુટી એન્જિનિયર સરકારી કામગીરી કરી રહ્યા હતા ત્યારે અજાણ્યો ઈસમ સ્થળ પર પહોંચો હતો. આ દરમિયાન તેમણે મહિલા અધિકારીને અભદ્ર ભાષામાં અપશબ્દો કહ્યા હોવાનો તેમજ ડેપ્યુટી એન્જિનિયર સાથે પણ ઉધ્ધત વર્તન કરી અપશબ્દો બોલ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઘટનાને કારણે સરકારી કામગીરીમાં અવરોધ ઊભો થયો હોવાનું પણ જણાવાયું છે. સરકારી ફરજ બજાવતા અધિકારીઓ સાથેના આવા વર્તન સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને મહિલા અધિકારીના સન્માન અને સરકારી કર્મચારીઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવી જવાબદાર વ્યક્તિ સામે તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. જોકે, આક્ષેપો અંગે સંબંધિત પક્ષનો ખુલાસો સામે આવ્યો નથી.