રાજુલા તાલુકાના હિંડોરણા ચોકડી પાસે અકસ્માતમાં ફસાયેલ પ્રસૂતા મહિલા અને નવજાત શિશુની મદદે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી આવ્યા હતા. રાજ્યપાલના કાર્યક્રમમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે અકસ્માતગ્રસ્ત મહિલા નજરે પડતાં તેમણે તાત્કાલિક પોતાનો કાફલો રોક્યો હતો.
મળતી માહિતી મુજબ, જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામનાં ગીતાબેન મહેશભાઈ ચૌહાણ રાજુલા ખાતે પ્રસૂતિ કરાવી નવજાત બાળક સાથે કારમાં પોતાના ગામ પરત ફરી રહ્યાં હતાં. દરમિયાન હિંડોરણા ચોકડી પાસે તેમની કારને અકસ્માત નડ્‌યો હતો. આ સમયે ત્યાંથી પસાર થતા હીરાભાઈ સોલંકીએ પ્રોટોકોલની પરવા કર્યા વગર માતા અને બાળકની મદદ કરી પોતાની ગાડીમાં બેસાડી પરિવારજનો સાથે સુરક્ષિત રીતે બાબરકોટ પહોંચાડ્‌યાં હતાં.