મોટી કુંકાવાવની વ્રજ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભ-૨૦૨૬ અંતર્ગત યોજાયેલી તાલુકા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળાનું નામ ગૌરવભેર રોશન કર્યું હતું. અંડર-૧૭ કેટેગરીમાં રાજલબેન વાળાએ ૮૦૦ મીટર દોડમાં પ્રથમ ક્રમ, હેમાંગીબેન ભુવાએ ૪૦૦ મીટર દોડમાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો. જ્યારે પ્રિયાંશીબેન ડોબરીયાએ ૪૦૦ મીટર દોડમાં ચોથો તથા પૂર્વાંશીબેન ગોહિલે ગોળાફેંક સ્પર્ધામાં ચોથો ક્રમ મેળવ્યો હતો. અંડર-૧૧ કેટેગરીમાં અમરેલીયા ગોપી અને શેલડીયા ધાર્મિએ લાંબી કૂદમાં દ્વિતીય ક્રમ મેળવી શાળાનું ગૌરવ વધાર્યું હતું.
વિદ્યાર્થીઓએ મર્યાદિત સમયની તૈયારી હોવા છતાં મહેનત, શિસ્ત અને આત્મવિશ્વાસ સાથે સ્પર્ધામાં ભાગ લઈ સફળતા મેળવી હતી. વિદ્યાર્થીઓની આ સિદ્ધિને લઈ શાળાના ટ્રસ્ટી વસંતભાઈ મોવલિયા, પ્રતિનિધિ ઉદયભાઈ દેસાઈ, આચાર્ય તથા સંચાલક વિવેકભાઈ દીક્ષિત, પંકજભાઈ સહિત સમગ્ર સ્ટાફ પરિવારે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમજ આગામી સમયમાં જિલ્લા અને રાજ્ય કક્ષાની સ્પર્ધાઓમાં પણ વધુ સફળતા મેળવે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
































