ધારી-અમરેલી રોડ પર પરબડી ગામના પાટિયા પાસે ઈકો કાર અને સ્વિફ્ટ કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં ઈકો કાર રોડ પરથી દૂર ખેતરમાં જઈ ખાબકી હતી. અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને બહાર કાઢી ૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ ઈકો કારના ચાલક તેમજ સ્વિફ્ટ કારના ચાલકને ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. ઉપરાંત એક બાળક સહિત અન્ય લોકોને પણ ઈજા થઈ હોવાના અહેવાલ છે. અકસ્માતને પગલે ધારી-અમરેલી રોડ પર વાહનોની અવરજવર પ્રભાવિત થતાં ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં ચલાલા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને અકસ્માત અંગેની વધુ કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી હતી.





































