અમરેલી જિલ્લાના ચલાલા ખાતે યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ સંચાલિત ‘ગાયત્રી સંસ્કાર ધામ’ દ્વારા ધારી રોડ પર આવેલા ગાયત્રી સંસ્કાર કેન્દ્ર ખાતે ૨૩મા સર્વજ્ઞાતિય અને સર્વધર્મ સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સંતો-મહંતો તેમજ વિદેશથી આવનાર ખાસ મહેમાનો ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વાદ આપશે. કાર્યક્રમમાં તમામ મહેમાનો માટે ભોજન અને ઉતારાની ઉત્તમ વ્યવસ્થા રાખવામાં આવી છે. આ લગ્નોત્સવમાં જોડાનાર દરેક દીકરીને દાતાઓ તરફથી કરિયાવર રૂપે ૧૩૦થી વધુ ચીજવસ્તુઓ ભેટ અપાશે.આ સમૂહ લગ્નમાં જોડાવા માટે કન્યાની ઉંમર ૧૮ વર્ષ અને વરરાજાની ઉંમર ૨૧ વર્ષ પૂર્ણ હોવી જરૂરી છે. અહીં માત્ર પ્રથમ વખત લગ્ન કરનારાઓને જ પ્રવેશ અપાશે, જ્યારે લવ મેરેજ કરનારાઓનો સમાવેશ થશે નહીં. નોંધણી ‘વહેલા તે પહેલા’ના ધોરણે થશે. રસ ધરાવતા ઉમેદવારોએ જન્મ તારીખનો અસલ દાખલો, ઓળખકાર્ડ, બે પાસપોર્ટ સાઇઝ ફોટા અને વાલીના ઓળખકાર્ડ સાથે સંસ્થા ખાતે રૂબરૂ નોંધણી કરાવવાની રહેશે.




































