બાંસકાંઠા જિલ્લાના થરાદ-ડીસા હાઇવે પર માલપુર નજીક ભારતમાલા રોડ પર રવિવારે વહેલી સવારે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. રાજકોટથી રાજસ્થાન જઈ રહેલી એક સ્પીડમાં આવતી રેન્જ રોવર કાર સામે અચાનક આખલો આવી જતાં કાર તેની સાથે જોરદાર રીતે અથડાઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કાર સીધી ડિવાઇડર સાથે ટકરાઈને કચડાઈ ગઈ હતી અને તેના તમામ સ્પેરપાટ્ર્સ રોડ પર વેરાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં કારમાં સવાર ત્રણ યુવકોમાંથી અમરેલીના દિવ્યજીત અને રાજકોટના યુવરાજસિંહનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે રાજકોટના હરદીપસિંહ નામના યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. થરાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ બંને યુવકોને મૃત જાહેર કર્યા હતા અને ગંભીર રીતે ઘવાયેલા હરદીપસિંહને વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા છે.





































