રાજુલા તાલુકાના દાતરડી ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. દાતરડી ક્લસ્ટરમાં ચાંચ, ખેરા, પટવા, રાભડા, દાતરડી, વિસળીયા, કથીવદર, મજાદર, વિક્ટર, જોલાપર, પીપાવાવ, નિંગાળા-૧ અને સમઢિયાળા-૧ સહિત ૧૩ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લઈ વિવિધ સરકારી યોજનાઓનો લાભ લીધો હતો. ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના તથા નિરાધાર વૃદ્ધ સહાય યોજના હેઠળ પાત્ર લાભાર્થીઓને સ્થળ પર જ મંજૂરી હુકમો આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત આવકના પ્રમાણપત્ર, રેશનકાર્ડ, જન્મ-મરણના દાખલા અને આધારકાર્ડ સહિતની સેવાઓ પણ સ્થળ પર ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. સરકારી વહીવટ પ્રજાના ઘરઆંગણે પહોંચાડવાના હેતુથી યોજાયેલો આ કાર્યક્રમ સફળ રહ્યો હતો.






































