સાવરકુંડલાના હાથસણી રોડ પર આવેલી વી.જે. પારેખ આંખની હોસ્પિટલ હાલ બંધ હાલતમાં હોવાના આક્ષેપો ઉઠ્યા છે. કુંડલા ગામના રેવન્યુ સર્વે નંબર ૩૯૩/૧ની બિનખેતીની જમીન અંગે શરતભંગ મામલે જિલ્લા કલેક્ટરે જમીન શ્રીસરકાર કરવા અને માપણી કરવાનો હુકમ કર્યો છે. તંત્ર દ્વારા સંસ્થાને કારણદર્શક નોટિસ પણ પાઠવાઈ હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ હોસ્પિટલમાં જરૂરી તબીબી સુવિધાઓ અને સાધનો ઉપલબ્ધ નથી તેમજ સરકારી સહાયથી ફાળવાયેલી એમ્બ્યુલન્સ પણ ઉપયોગ વગર પડી હોવાના આક્ષેપો છે. હોસ્પિટલનું મકાન જર્જરિત બન્યું હોવાનું અને વીજ કનેક્શન કપાયું હોવાની પણ ચર્ચા છે. પરિસરમાં અસામાજિક પ્રવૃત્તિઓ થતી હોવાની ફરિયાદો ઉઠી છે. કલેક્ટરના હુકમ બાદ મામલતદાર અને સર્વેયર સ્થળ તપાસ કરી જમીનની માપણી કરશે. સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. સ્થાનિકોએ પ્રજાહિતમાં યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.








































