શહેરમાં બેઠા રહીને વિદેશી નાગરિકોને નિશાન બનાવતી સાયબર ઠગાઈનો નરોડા પોલીસે પર્દાફાશ કર્યો છે. હંસપુરા રાજચંદ્ર સર્કલ નજીક આવેલા સાહિત્ય આર્કેડની દુકાન નંબર ૧૧૨માંથી કથિત બોગસ કોલ સેન્ટર ઝડપાયું છે. પોલીસના જણાવ્યા મુજબ અહીંથી અમેરિકન નાગરિકોને લોન સેટલમેન્ટના નામે સંપર્ક કરવામાં આવતો હતો.
પોલીસે દરોડા દરમિયાન ૨ યુવતી અને ૫ યુવક સહિત કુલ ૭ લોકોને ઝડપી લીધા છે. પ્રાથમિક તપાસમાં આ ગેંગ છેલ્લા આશરે પાંચથી છ મહિનાથી સક્રિય હોવાની માહિતી સામે આવી છે.નરોડા પોલીસને હંસપુરા વિસ્તારમાં ગેરકાયદેસર કોલ સેન્ટર ચાલતું હોવાની બાતમી મળી હતી. માહિતીના આધારે પોલીસે સાહિત્ય આર્કેડની દુકાન નંબર ૧૧૨માં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન કેટલાક યુવક-યુવતીઓ લેપટોપ અને હેડફોનની મદદથી વિદેશી નાગરિકો સાથે સંપર્ક કરતા હોવાનું પોલીસને મળ્યું હતું. તપાસ બાદ પોલીસે સાત વ્યક્તિઓને ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ તપાસ મુજબ આ ગેંગનો મુખ્ય સૂત્રધાર હોવાનું જણાવાતા જીગેશ ગૌરવભાઈ ઝાલાહર દ્વારા અમેરિકન નાગરિકોને લગતો લોન સંબંધિત ડેટા મેળવવામાં આવતો હતો. આ પછી કોલ સેન્ટરમાં કામ કરતા લોકો અમેરિકન બેંક અથવા કાયદાકીય પ્રતિનિધિ તરીકે ઓળખ આપી ગ્રાહકોનો સંપર્ક કરતા હોવાનો પોલીસનો આરોપ છે.અમેરિકન નાગરિકોને તેમની બેંક લોન ઓછી રકમમાં સેટલ કરાવવાની ઓફર આપવામાં આવતી હતી. ત્યારબાદ કથિત રીતે ઈ-મેલ અને અન્ય ડિજિટલ માધ્યમથી સંપર્ક કરી તેમની પાસેથી ક્રેડિટ કાર્ડ તથા અન્ય નાણાકીય માહિતી મેળવવામાં આવતી હતી. પોલીસના જણાવ્યા મુજબ ત્યારબાદ વેન્ડરોની મદદથી નાણાં ઉપાડવામાં આવતા હતા.
પ્રાથમિક તપાસમાં ૨૦૦થી વધુ અમેરિકન નાગરિકો સાથે આ રીતે સંપર્ક અને છેતરપિંડી થઈ હોવાની માહિતી સામે આવી છે. પોલીસના જણાવ્યા મુજબ અત્યાર સુધીની તપાસમાં રૂ. ૩૮ લાખથી વધુની કથિત છેતરપિંડી સામે આવી છે. જાકે, સમગ્ર નાણાકીય વ્યવહાર અને ભોગ બનેલા લોકોની ચોક્કસ સંખ્યા અંગે વધુ તપાસ ચાલી રહી છે.આ કેસમાં સૌથી મહત્વની બાબતોમાંની એક એ છે કે “છેલ્લા પાંચથી છ મહિનામાં આ ગેંગ દ્વારા અંદાજે ૧૦ લાખ અમેરિકન નાગરિકોને મેસેજ મોકલવામાં આવ્યા હોવાની માહિતી પોલીસ તપાસમાં સામે આવી છે. ગેંગ કથિત રીતે સીધા બેંક ખાતામાં નાણાં મેળવવાને બદલે ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ કરતી હતી.”સિટી ગાઇડ મેળવો
પોલીસ તપાસ મુજબ અમેરિકન નાગરિકો પાસેથી મેળવવામાં આવેલા નાણાંમાંથી આશરે ૫૦ ટકા હિસ્સો કથિત રીતે એક ‘ટ્રસ્ટ વોલેટ’માં Bitcoin/ક્રિપ્ટોકરન્સીના સ્વરૂપમાં રાખવામાં આવતો હતો.ત્યારબાદ Telegram ગ્રુપ્સ મારફતે ક્રિપ્ટોકરન્સીને ભારતીય ચલણમાં બદલવાની પ્રક્રિયા કરવામાં આવતી હોવાની પોલીસને શંકા છે. ત્યારબાદ આંગડિયા મારફતે રોકડ અમદાવાદ લાવવામાં આવતી હોવાનો પણ તપાસમાં ઉલ્લેખ થયો છે. હવે પોલીસ આ સમગ્ર ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શન નેટવર્કની કડીઓ તપાસી રહી છે.