પાલીતાણા સરકારી નોકરી મેળવવાની લાલચમાં એક રત્નકલાકાર યુવક સાથે મોટી છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. પાલીતાણામાં રહેતા યુવકને પોસ્ટ ઓફિસમાં કાયમી નોકરી અપાવવાનું કહી બે શખ્સોએ રૂ.૬ લાખમાં સોદો કર્યો હતો, જેમાંથી યુવક પાસેથી અલગ-અલગ તબક્કે રૂ.૪ લાખ ગૂગલ પે મારફતે પડાવી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ તેને ભાવનગર બોલાવી પોસ્ટ ઓફિસનો બોગસ નિમણૂક પત્ર આપવામાં આવ્યો હતો. યુવક આ પત્ર લઈને પાલીતાણા પોસ્ટ ઓફિસ પહોંચતાં સમગ્ર છેતરપિંડીનો ભાંડો ફૂટ્યો હતો.
આ મામલે પાલીતાણા પોલીસે વચેટિયા પ્રદીપ ઝાલાની ધરપકડ કરી છે, જ્યારે બોગસ પત્ર બનાવનાર મુખ્ય સૂત્રધાર બળદેવ રાઠોડને ઝડપી લેવા તપાસ હાથ ધરવામાં આવી છે.
પાલીતાણાના હવા મહેલ ક્વાર્ટરમાં રહેતા અને હીરા ઘસવાનું કામ કરતા અમિત જાડેજાએ આ અંગે પાલીતાણા ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ પ્રદીપ કિરીટસિંહ ઝાલાએ પોતાને પોસ્ટ ઓફિસના મોટા અધિકારીઓ સાથે સારા સંબંધો હોવાનું જણાવી સરકારી નોકરી
અપાવવાની ખાતરી આપી હતી. નોકરી મેળવવાની આશામાં ફરિયાદીએ પ્રદીપ સાથે રૂ.૬ લાખમાં સોદો કર્યો હતો. ત્યારબાદ અલગ-અલગ તબક્કે ગૂગલ પે મારફતે કુલ રૂ.૪ લાખ ચૂકવ્યા હતા.
ફરિયાદ મુજબ, ૧ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ યુવકને ભાવનગર બોલાવવામાં આવ્યો હતો. ત્યાં તેની મુલાકાત બળદેવ રમેશભાઈ રાઠોડ સાથે કરાવવામાં આવી હતી. બંનેએ યુવકને પોસ્ટ ઓફિસનો એપોઇન્ટમેન્ટ લેટર આપ્યો અને ૩ જાન્યુઆરીએ પાલીતાણા પોસ્ટ ઓફિસમાં હાજર થવા જણાવ્યું હતું.યુવકને આ પત્ર સાચો હોવાનું માનીને સરકારી નોકરી મળ્યાની આશા બંધાઈ હતી. જોકે, તે ૨ જાન્યુઆરીએ જ પત્ર લઈને પાલીતાણા પોસ્ટ ઓફિસ પહોંચ્યો ત્યારે અધિકારીઓએ તપાસ કરતાં આવો કોઈ નિમણૂક પત્ર જારી થયો ન હોવાનું સ્પષ્ટ થયું હતું.
પોસ્ટ ઓફિસમાંથી પત્ર બોગસ હોવાનું જાણવા મળ્યા બાદ યુવકે પ્રદીપનો સંપર્ક કર્યો હતો. ત્યારે પ્રદીપે હજુ પ્રક્રિયા પૂર્ણ થઈ નથી અને ઉતાવળ ન કરવા જેવી વાતો કરી હતી. બીજી તરફ, બળદેવ રાઠોડે યુવકને ફોન બંધ કરીને કેટલાક દિવસો ભાવનગર-કચ્છ વિસ્તારમાં રહેવાની સલાહ આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.સમય પસાર થતો ગયો છતાં નોકરી ન મળતાં યુવકે પોતાના પૈસા પરત માંગ્યા હતા. જોકે, આરોપીઓ દ્વારા રકમ પરત કરવામાં ન આવતા આખરે તેણે પોલીસનો સંપર્ક કર્યો હતો.
ફરિયાદના આધારે પાલીતાણા પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન વચેટિયા તરીકે કથિત ભૂમિકા ભજવનાર પ્રદીપસિંહ ઝાલાની ધરપકડ કરવામાં આવી હતી.પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરીને બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ દરમિયાન પૂછપરછ પૂર્ણ થયા બાદ કોર્ટના આદેશથી પ્રદીપ ઝાલાને ભાવનગર જિલ્લા જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.