અમરેલી જિલ્લા-તાલુકા પેન્શનર મંડળની વર્ષ ૨૦૨૫-૨૬ની વાર્ષિક સાધારણ સભા તા. ૧૯ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ અમરેલીની કપોળ મહાજન વાડી ખાતે યોજાઈ હતી. બહોળી સંખ્યામાં પેન્શનરોની ઉપસ્થિતિમાં ગોરધનભાઈ સુરાણીના અધ્યક્ષસ્થાને દીપ પ્રાગટ્ય દ્વારા સભાની શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે અમરેલી જિલ્લાના તમામ તાલુકા પેન્શનર મંડળના પ્રમુખો તથા ઉપસ્થિત પેન્શનરોનું મહામંત્રી ઘનશ્યામભાઈ સોરઠીયાએ સ્વાગત કર્યું હતું.સભામાં ગત વર્ષની કાર્યવાહી નોંધ તથા વાર્ષિક હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા. બંને બાબતોને સભા સમક્ષ વંચાણમાં લીધા બાદ હાથ ઊંચા કરીને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. આ પ્રસંગે ટાટા એઆઈએ લાઇફના ગુજરાત વડા ભટ્ટ તથા ક્લસ્ટર વડા વસાવડાએ પેન્શનરોને નિવૃત્તિ બાદ પણ વિવિધ પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા રહેવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા તથા પંજાબ નેશનલ બેંકના મેનેજરોએ પણ પેન્શનરોને બેંકિંગ સેવાઓ સહિત વિવિધ ઉપયોગી બાબતો અંગે માર્ગદર્શન આપ્યું હતું.અમરેલી જિલ્લા પેન્શનર મંડળના આમંત્રણને માન આપી અમરેલીના ધારાસભ્ય તથા ગુજરાત રાજ્યના રાજસ્વ મંત્રી કૌશિકભાઈ વેકરિયા ઉપસ્થિત રહ્યા હતા. પોતાના ઉદબોધનમાં તેમણે જણાવ્યું હતું કે, પેન્શનરો એવા વડીલો છે જેમણે પોતાની સેવા દરમિયાન રાજ્ય અને સમાજના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું છે. તેમના અનુભવો આવનારી પેઢી માટે હંમેશા માર્ગદર્શક બની રહેશે. સભાના એજન્ડા મુજબ જિલ્લા પ્રમુખ રાજુભાઈ મહેતા અને મહામંત્રી ઘનશ્યામભાઈ સોરઠીયાએ બંને હોદ્દા પરથી સ્વેચ્છાએ મુક્ત થવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. મંડળની જવાબદારી હવે અન્ય અનુભવી અને કાર્યકુશળ વ્યક્તિઓ સંભાળે તેવી જાહેરાત કરવામાં આવી હતી. જોકે, સભાના અધ્યક્ષ ગોરધનભાઈ સુરાણી, ઉપસ્થિત તમામ તાલુકા પ્રમુખો તથા પેન્શનરોએ હાથ ઊંચા કરીને બંને હોદ્દામાં કોઈ ફેરફાર ન કરવાની વિનંતી કરી હતી. અંતે બંનેને તેમના હોદ્દા પર ચાલુ રાખવાનો સર્વાનુમતે નિર્ણય કરવામાં આવ્યો હતો.કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ, મહામંત્રી તથા કારોબારી સભ્યોએ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન નિખિલભાઈ પારેખે કર્યું હતું.