અમરેલીમાં રૂ. ૬૩૫ કરોડના પોંજી સ્કીમ કૌભાંડની તપાસમાં પોલીસને વધુ સફળતા મળી છે. અમરેલી સાયબર ક્રાઈમની એસઆઈટી ટીમે મુખ્ય આરોપી ધવલ પટેલ અને હિરેન શાહ બાદ હવે મહારાષ્ટ્રના રહેવાસી ભાવેશ ધાનેચાની પણ ધરપકડ કરી છે. ભાવેશ ધાનેચા રોકાણકારો સાથે ઓનલાઈન ઝૂમ મીટિંગ કરીને તેમનો વિશ્વાસ જાળવી રાખવાનું કામ કરતો હોવાની પોલીસ તપાસમાં વિગતો સામે આવી છે. તેની પૂછપરછ દરમિયાન કૌભાંડને લગતા કેટલાક નવા ખુલાસા થયા હોવાનું જાણવા મળ્યું છે. એસઆઈટી ટીમ દ્વારા હાલ કૌભાંડની તપાસ અલગ અલગ દિશામાં હાથ ધરવામાં આવી રહી છે.પોલીસના જણાવ્યા મુજબ, આ સમગ્ર કૌભાંડમાં અત્યાર સુધીમાં કુલ નવ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા આરોપીઓ પૈકી હજુ સુધી એક પણ આરોપીને જામીન મળ્યા નથી. તપાસ આગળ વધતા કૌભાંડમાં સંડોવણી હોવાની શંકા ધરાવતા વધુ ૧૧ લોકોના નામ પણ પોલીસના ધ્યાને આવ્યા છે. પોલીસે આ તમામ શંકાસ્પદ વ્યક્તિઓની ભૂમિકા અંગે તપાસ શરૂ કરી છે અને હાલ તેઓ ફરાર હોવાનું જણાવાયું છે.પોલીસ તપાસમાં સામે આવેલા શંકાસ્પદ આરોપીઓમાં નરેન્દ્રસિંહ શંભુજી સોલંકી, મુકેશ ઘનશ્યામ લોધી, સંતોષ કનેયાલાલ પાઠક, નારાયણ અશોક કાંગે, દિલીપ ચતુર રાવલ, ચિરાગ બાબુ રાવલ, પ્રકાશ બચુ અધારા, કાંતિલાલ બચુ ભેંસદડીયા, પંકજ પટેલ અને દિપકના નામનો સમાવેશ થાય છે. પોલીસે આ તમામ વ્યક્તિઓ અંગે વધુ વિગતો એકત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરી છે. કૌભાંડ સાથે સંકળાયેલા અન્ય લોકોની ભૂમિકા પણ તપાસવામાં આવી રહી છે. દરમિયાન કૌભાંડમાં રોકાણકારોની સંખ્યા સતત વધતી જતાં અમરેલી પોલીસે ભોગ બનનાર લોકોની વિગતો મેળવવા માટે ગૂગલ ફોર્મ જાહેર કર્યું છે. આ ફોર્મ અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી એમ ત્રણ ભાષામાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. પોલીસે કૌભાંડમાં નાણાં ગુમાવનાર અથવા આ સ્કીમમાં રોકાણ કરનાર લોકોને સામે આવી પોતાની વિગતો નોંધાવવા અપીલ કરી છે. ગૂગલ ફોર્મમાં અરજદારનું નામ, સરનામું, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, અભ્યાસ અને વ્યવસાય સહિતની વ્યક્તિગત વિગતો માંગવામાં આવી છે. આ ઉપરાંત બેંક સંબંધિત માહિતી પણ આપવાની રહેશે. રોકાણકારોએ એસડી પે અને અપના પેમાં કરેલા રોકાણની રકમ, અત્યાર સુધીમાં ઉપાડેલી રકમ અને એસડી પે વોલેટમાં હાલમાં રહેલી રકમ અંગે પણ માહિતી આપવાની રહેશે. સાથે જ જે એજન્ટ અથવા અપલાઈન મારફતે રોકાણ કરવામાં આવ્યું હોય તેની વિગતો પણ પોલીસને આપવાની રહેશે. આ ઉપરાંત વ્યવહાર કયા માધ્યમથી કરવામાં આવ્યો હતો તેની માહિતી, આધારકાર્ડ તથા અન્ય જરૂરી દસ્તાવેજોની પીડીએફ પણ ફોર્મમાં રજૂ કરવાની રહેશે. રોકાણકારો પાસે રહેલા વ્યવહારના પુરાવા, વોલેટ બેલેન્સ અને અન્ય વિગતોના સ્ક્રીનશોટ પણ દસ્તાવેજો સાથે રજૂ કરવા જણાવાયું છે. પોલીસ દ્વારા એકત્રિત કરવામાં આવતી આ માહિતીના આધારે કૌભાંડમાં સંડોવાયેલા લોકો અને નાણાકીય વ્યવહારોની કડી શોધવામાં મદદ મળશે. એસડી પે એપ્લિકેશન અંગેની તપાસમાં પણ પોલીસને મહત્વની વિગતો મળી છે. પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે કે એક આરોપીએ પોતાની રેફરલ લિંક મારફતે પ્રથમ લેવલમાં ૨૭૧ લોકોને રોકાણ કરાવ્યું હતું. ત્યારબાદ અલગ અલગ લેવલની રેફરલ સિસ્ટમ મારફતે આ નેટવર્કનો વ્યાપ વધતો ગયો હતો અને અંદાજે દોઢથી પોણા બે લાખ લોકો સુધી પહોંચ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. બીજી તરફ એપ્લિકેશન સ્ટોર પર કરવામાં આવેલી તપાસ દરમિયાન એસડી પે એપ સાથે ૧૦ લાખથી વધુ યુઝર્સ જોડાયેલા હોવાનું પણ પોલીસના ધ્યાને આવ્યું છે.આ કૌભાંડમાં રેફરલ સિસ્ટમની ભૂમિકા મહત્વની હોવાનું પોલીસ તપાસમાં સામે આવી રહ્યું છે. એક વ્યક્તિ દ્વારા અન્ય લોકોને રોકાણ માટે જોડવામાં આવતા અને ત્યારબાદ નવા રોકાણકારો આગળના લેવલમાં જોડાતા હોવાનું જાણવા મળ્યું છે. આ રીતે રેફરલના અલગ અલગ સ્તર ઊભા થતાં રોકાણકારોનું નેટવર્ક ખૂબ મોટું બન્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે. પોલીસ હવે આ નેટવર્ક સાથે જોડાયેલા એજન્ટો અને વિવિધ લેવલના લોકોની ભૂમિકા તપાસી રહી છે.પોલીસ દ્વારા કૌભાંડમાં સંડોવાયેલા આરોપીઓ ઉપરાંત અલગ અલગ લેવલના એજન્ટોની મિલકત અંગે પણ તપાસ હાથ ધરવામાં આવશે. તપાસ દરમિયાન જે વ્યક્તિઓએ આ સ્કીમના માધ્યમથી પોતાના રોકાણ કરતાં વધારે રકમ કમાઈ હોવાનું સામે આવશે, તેમની સંપત્તિ અને નાણાકીય વ્યવહારોની પણ તપાસ કરવામાં આવશે. કૌભાંડમાંથી મળેલી રકમ ક્યાં ગઈ અને કોના મારફતે તેની હેરફેર થઈ તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે. રૂ. ૬૩૫ કરોડના આ કૌભાંડમાં રોકાણકારોની સંખ્યા અને નાણાકીય વ્યવહારો અંગેની વિગતો સતત સામે
આભાર – નિહારીકા રવિયા આવી રહી હોવાથી એસઆઈટી દ્વારા તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો છે. ફરાર શંકાસ્પદ આરોપીઓની શોધખોળ ઉપરાંત એપ્લિકેશન સાથે સંકળાયેલા એજન્ટો, રેફરલ નેટવર્ક અને રોકાણકારોના નાણાકીય વ્યવહારોની તપાસ કરવામાં આવી રહી છે. ગૂગલ ફોર્મ મારફતે મળનારી ફરિયાદો અને દસ્તાવેજોના આધારે કૌભાંડમાં સંડોવાયેલા વધુ લોકો તથા નાણાકીય વ્યવહારો અંગે મહત્વની કડીઓ મળી શકે તેવી શક્યતા છે.
કૌભાંડનો મુખ્ય આરોપી ધવલ પટેલ ઓસ્ટ્રેલીયા રહેતો હતો:એસ.પી
એસપીએ જણાવ્યું કે, એપનો મૂળ વિચાર ધવલ પટેલનો હતો. ધવલ પટેલ અગાઉ ઓસ્ટ્રેલીયામાં રહેતો હતો અને ત્યાં તેમજ સિંગાપુરમાં વિવિધ સ્થળોએ અનેક સેવાઓ એક જ એપ્લિકેશન મારફતે ઉપલબ્ધ કરાવવાની રીત જોઈ હતી. તેના આધારે એપ્લિકેશન તૈયાર કરવામાં આવી હતી. જોકે, એપ્લિકેશનના અભ્યાસ દરમિયાન સામે આવ્યું કે, અલગ-અલગ સેવાઓ પૂરી પાડવાના નામે લોકોને રોકાણ કરાવી રેફરલ પોઈન્ટ્સ આપવાની કામગીરી કાયદાની વિરુદ્ધ છે. કંપની ડેવલપ થયા બાદ ધવલ પટેલના મુખ્ય સાથીદાર તરીકે નરેન્દ્રસિંહ સોલંકીએ માર્કેટિંગની જવાબદારી સંભાળી હતી. આ કામગીરી મારફતે ૧૨ લાખ લોકો સુધી પહોંચવામાં તેની મહત્વની ભૂમિકા રહી હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે. નરેન્દ્રસિંહ સોલંકી હાલ વોન્ટેડ છે.
રોકાણકારોને ગેરમાર્ગે દોરતા ફોનથી સાવચેત રહેવા પોલીસની અપીલ
પોલીસે જાહેર જનતાને અપીલ કરી છે કે, રોકાણ કરાવનાર એજન્ટ અથવા તેના ઉપરી દ્વારા ઝૂમ મીટિંગ, ઓડિયો કોલ કે રેર્કોડિંગ મારફતે સિસ્ટમ ચાર-પાંચ મહિનાથી બંધ છે અને આજે કે કાલે શરૂ થશે તેવી વાત કરવામાં આવે તો તેના પર વિશ્વાસ ન કરવો. આવા સંજોગોમાં નજીકના પોલીસ સ્ટેશન અથવા અમરેલી જિલ્લા પોલીસનો તાત્કાલિક સંપર્ક કરવા અપીલ કરાઈ છે.
સાત કંપનીઓના ૧૮ બેંક ખાતામાં રૂ.૧૫૯૮ કરોડની હેરફેર
લોકો પાસેથી મેળવેલા નાણાંની હેરફેર કરવા આરોપીઓએ સાત જેટલી કંપનીઓ ઊભી કરી હતી. આ કંપનીઓના નામે અલગ-અલગ બેંકોમાં ૧૮ જેટલા ખાતાઓનો ઉપયોગ થયો હતો, જેમાં અંદાજે રૂ.૧૫૯૮ કરોડ જમા થયાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. NCCR પોર્ટલની તપાસમાં આ ૧૮ ખાતાઓ સામે કુલ ૧૯૫ સાયબર ફ્રોડની ફરિયાદો મળી આવી છે. ઉપરાંત, છ આરોપીઓના અન્ય ૩૫થી ૪૦ બેંક ખાતા પણ મળી આવ્યા છે.









































