ગામડાં સુધી પહોંચેલા સાયબર ગઠિયાઓએ વધુ એક યુવકને ઊંચા વળતરની લાલચ આપી પોતાની જાળમાં ફસાવ્યો હતો. રાજુલાના જોલાપર ગામે રહેતા યુવકને ઓનલાઇન શેરબજાર અને ટ્રેડિંગમાં મોટો નફો કમાવી આપવાની લાલચ આપી અજાણ્યા શખ્સે કટકે-કટકે કુલ રૂ. ૧,૬૮,૧૮૫ની છેતરપિંડી આચરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. વિજયભાઇ ગભરૂભાઇ વાઘ (ઉ.વ.૨૭)એ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, અજાણ્યા ઠગબાજે પોતાની ઓળખ ‘અમન શર્મા’ તરીકે આપી તેનો સંપર્ક કર્યો હતો. તેણે ઓનલાઇન ટ્રેડિંગમાં ટૂંકા ગાળામાં મોટો નફો મેળવવાની લાલચ આપી ફરિયાદીને વિશ્વાસમાં લીધા હતા. ત્યારબાદ આરોપીએ વેબસાઇટ લિંક મારફતે ફરિયાદીના મોબાઇલમાં એક થર્ડ પાર્ટી શંકાસ્પદ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી.રોકાણના નામે આરોપીએ ગત તા. ૨૬ જૂન થી ૧ જુલાઈ દરમિયાન કુલ ૧૧ જેટલા અલગ-અલગ ટ્રાન્ઝેક્શન કરાવી ફરિયાદી પાસેથી રૂ. ૧,૩૩,૦૦૧/- જમા કરાવી લીધા હતા. આ એપ્લિકેશનના ડેશબોર્ડ પર ખોટો અને આભાસી નફો દર્શાવી ફરિયાદીને ભ્રમમાં રાખવામાં આવ્યા હતા.જ્યારે ફરિયાદીએ પોતાનો નફો અને મૂળ રકમ ઉપાડવાનો પ્રયાસ કર્યો, ત્યારે આરોપીએ ‘પૈસા ઉપાડવા માટે પ્રોસેસિંગ ફી અને ય્જી્ ભરવો પડશે’ તેવું બહાનું આગળ ધરી વધુ રૂ. ૩૫,૧૮૪ પણ પડાવી લીધા હતા. કુલ રૂ. ૧,૬૮,૧૮૫/- ચૂકવી દીધા બાદ પણ ફરિયાદીને નફો કે મૂળ રકમ પરત મળી નહોતી; ઊલટાનું આરોપી વધુ રૂપિયા જમા કરાવવા દબાણ કરી રહ્યો હતો. આખરે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં ફરિયાદીએ સાયબર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ડુંગર પોલીસ સ્ટેશનના પી.આઈ. વી. એસ. પલાસ વધુ તપાસ કરી રહ્યા છે.


































