રાજ્યભરમાં ભારે ચકચાર જગવનારા ચર્ચિત સ્વીટી પટેલ મર્ડર કેસમાં અદાલતે એક ઐતિહાસિક અને સખત ચુકાદો આપ્યો છે. એસઓજી અજય દેસાઈને પોતાની પત્નીની હત્યાના ગુનામાં કસુરવાર ઠેરવીને અદાલતે આજીવન કેદની સજા તથા રૂ. ૨ લાખનો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત, ગુનામાં પુરાવાનો નાશ કરવામાં અને લાશનો નિકાલ કરવામાં મદદગારી કરનાર હોટલ માલિક કિરીટસિંહ જાડેજાને પણ કોર્ટે ૫ વર્ષની સખત કેદની સજા અને ૨ લાખ રૂપિયાનો દંડ સંભળાવ્યો છે.
ન્યાયાધીશે પોતાના ચુકાદામાં અત્યંત ગંભીર નોંધ લેતા જણાવ્યું હતું કે, આરોપીએ એક જવાબદાર પોલીસ અધિકારી હોવા છતાં પોતાની સત્તા અને હોદ્દાનો દુરુપયોગ કરીને તપાસને ભટકાવવાનો તથા પુરાવાનો નાશ કરવાનો હીન પ્રયાસ કર્યો હતો. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં ટાંક્યું હતું કે સાક્ષીઓ પોતાના નિવેદનથી ફરી જાય કે મૃતદેહ ન મળે, માત્ર તેનાથી ગુનાની ગંભીરતા ઓછી થતી નથી કે ગુનો હળવો થઈ જતો નથી.
કેસની વિગતો અનુસાર, વર્ષ ૨૦૧૭માં રૂપાલ વરદાયિની માતાજીના મંદિરે હારતોરા કરીને સ્વીટી પટેલ અને પીઆઈ અજય દેસાઈએ લગ્ન કર્યા હતા. તેઓ કરજણ ખાતે પતિ-પત્ની તરીકે રહેતા હતા અને તેમને ૨ વર્ષનો એક પુત્ર પણ છે. અજય દેસાઈ અગાઉથી જ પરણેલો હોવાથી સ્વીટી તેને પ્રથમ પત્નીને છૂટાછેડા આપી પોતાને સામાજિક રીતે પત્નીનો દરજ્જા અને સ્વીકૃતિ આપવા અવારનવાર દબાણ કરતી હતી.
આ બાબતે બંને વચ્ચે સતત ગૃહકલેશ અને ઝઘડા થતા રહેતા હતા. આખરે, ૪-૫ જૂન ૨૦૨૧ની મધ્યરાત્રીએ કરજણની પ્રયોશા સોસાયટી સ્થિત મકાનમાં પીઆઈ અજય દેસાઈએ આવેશ અને કાવતરાના ભાગરૂપે પોતાની પત્ની સ્વીટી પટેલનું ગળું ટૂંપીને કરૂણ હત્યા કરી નાખી હતી. હત્યા બાદ તે જ રાત્રે પોતાની કારમાં લાશ મૂકીને અટાલી ગામ સ્થિત એક અવાવરૂ હોટલના કમ્પાઉન્ડમાં લઈ ગયો હતો અને ત્યાં લાશને સળગાવી દઈ પુરાવાનો નાશ કર્યો હતો.
હત્યા કર્યાના બીજા દિવસે સવારે આરોપી પીઆઈએ ખૂબ જ હોશિયારીથી સ્વીટી ગુમ થઈ ગઈ હોવાનું નાટક રચ્યું હતું. તેણે પોતાના સાળા જયદીપ પટેલને ઘરે બોલાવીને એવું જુઠાણું ચલાવ્યું હતું કે સ્વીટી તેની સાથે ઝઘડો કરીને ક્યાક જતી રહી છે. શરૂઆતમાં સ્થાનિક કરજણ પોલીસે પણ પોતાના જ અધિકારીનો બચાવ કરતા હોય તેમ ગુમ થયાની નોંધ કરી અત્યંત ઢીલી તપાસ કરી હતી. પરંતુ, પરિવારજનોના આક્રોશ અને મામલો ભારે ચકચારી બનતાં આખરે આ કેસની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી.
ક્રાઈમ બ્રાન્ચે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરતા જ પીઆઈ અજય દેસાઈ શંકાના ઘેરામાં આવ્યા હતા. ત્યારબાદ પોલીસ અને હ્લજીન્ની ટીમે અટાલી ગામની અવાવરૂ હોટલ પર દરોડો પાડીને ત્યાંથી બળેલા માનવ હાડકાં, રાખ અને જીપના ટાયરના નિશાનો કબ્જે કર્યા હતા.
આ કેસમાં સૌથી મોટો પડકાર એ હતો કે લાશને સંપૂર્ણપણે સળગાવી દેવામાં આવી હોવાથી મળી આવેલા હાડકાં પરથી ડીએનએ મેચ થઈ શક્યું નહોતું. આમ છતાં, ક્રાઈમ બ્રાન્ચે હાર માન્યા વગર સાયન્ટીફિક અને ટેકનિકલ પુરાવાઓનો મજબૂત ડોળ રચ્યો હતો.
પોલીસે આરોપીઓના મોબાઈલ ટાવર લોકેશન,સીડીઆર (કોલ ડિટેલ રેકોર્ડ) ડેટા, ઘટનાસ્થળના સીસીટીવી અને જીપના રિવર્સ પા‹કગ જેવા અત્યંત મહત્વપૂર્ણ અને સચોટ પુરાવાઓ એકત્રિત કરીને અદાલત સમક્ષ રજૂ કર્યા હતા. આ તમામ કડીઓને જોડીને ક્રાઈમ બ્રાન્ચે કોર્ટમાં બંને આરોપીઓ સામે ગંભીર ગુનો નિઃશંકપણે સાબિત કર્યો હતો, જેના પરિણામે આજે ન્યાયિક અદાલતે દોષિતોને જેલના સળિયા પાછળ ધકેલી પીડિત પરિવારને ન્યાય અપાવ્યો છે.









































